તહારી આ માતા દુઃખકર દશા, આંસુ છૂટતાં,
મહારી આંખોમાં દુઃખકર દશાને નિરખતાં;
ગરીબી આ રોગી જન દુઃખ અને ભૂખ સહતાં,
અકાળે મૃત્યુના તટપર ઊભા લાખ મનુજો.
અહા! જે સૃષ્ટિનો શિરમુકુટ, શોભા જગતની,
મહારી તે માતા મલિન દુઃખથી વિહ્વલ બની;
કુણાં ! અંગો એનાં ફૂલસમ પરાધીન કરતાં,
હણ્યાં પાપી લોકે નવ દયા કૈં પણ કરી!
મહારી ઓ માતા, તુજ ચરણમાં ફૂલ સરખો,
પડ્યો આજે આવી અભિનવ લઇ આશ હું અહો;
મહારાં અંગોમાં પ્રણય ભર ને શક્તિ ભરતાં,
જગાવી દે તારી લગન, મુજને ભાગ્ય ધર આ.
ગરીબી ને તારાં અગણિત સમાં બંધન બધાં,
તૂટે મારે હાથે, જગત શિર-શોભા મુકુટ થા.
- શ્રી યોગેશ્વરજી

