Swargarohan | સ્વર્ગારોહણ

Danta Road, Ambaji 385110
Gujarat INDIA
Ph: +91-96015-81921

હતાં અંધારેલાં ભવન સઘળાં ખંડ સઘળા,
ઠરેલાં ઠંડીથી મનુજ સઘળાંયે થથરતાં;
હવા ભીની છૂટી ગગનપટથી સૃષ્ટિભરમાં
છવાતી તોડીને હૃદયપટ એવી સખત શી !

ઘણાંની આંખેથી દુઃખદ સહસા આંસુ સરતાં,
વહેતાં કોઇના રુદન ઉરનાં આર્તસ્વરમાં;
હમેશાં અંધારા ભવનમહીં રે'તા જડસમાં
બન્યાં કોઇ લોકો શુભ-અશુભનો ભેદ વિસર્યાં.

ઉગ્યો ત્યાં તો પ્રાચી હૃદયમણિ જેવો રવિ અને
બધાયે ભેદાયા તિમિરથર, ઠંડા પવન સૌ;
થયા ઉષ્માવાળા, મનુજ સુખનો શ્વાસ ભરતાં
ઊઠ્યાં સૃષ્ટિશોભા સમ સૂરજને અર્ઘ્ય ધરતાં.

પ્રભો ! આજે પાછી દુઃખકર થઇ છે ખલુ દશા,
તમારા પ્રાકટ્યે નવ-જગ રચો સૂર્ય બનતાં !

- શ્રી યોગેશ્વરજી