વહેતા'તા તારા હૃદયપટપે સ્ત્રોત મધુરા
દયાના, દેખીને તુજ હૃદયતારો રણકતા,
દુઃખીને અજ્ઞાની વિષયરત એવા મનુજને;
રડેલા પ્રાર્થેલો બહુ મનુજ માટે જગતમાં.
કપાયે કષ્ટો આ જગત પરથી ને જન બધાં
બને પ્રેમી, પામે અતુલ સુખ ને શાંતિ ભજતાં,
સદાયે આત્માને પ્રતિ ડગ ભરી સત્યપથમાં;
હતી ઇચ્છા તારે જગત પર તેથી પ્રકટવા.
હઠાવી દે તો આ હૃદયપટના સર્વ પડદા
અને તેમાં દૈવી ઝરણ બનતાં ઝંકૃત થતાં,
વહે લાખો રૂપે પ્રણય બનતાં શાંતિ-સ્વરમાં
દયા ને ભક્તિના વિમલરૂપમાં જ્ઞાન બનતાં;
હવે એ આવ્યો છે સમય જડ ને આર્ત જગમાં,
હતી ઇચ્છા તારી જગત પર પાછા પ્રકટવા !
- શ્રી યોગેશ્વરજી

