Swargarohan | સ્વર્ગારોહણ

Danta Road, Ambaji 385110
Gujarat INDIA
Ph: +91-96015-81921

તારી આંખ, મારી આંખ સાથે આ જડાઇ જાય,
વરસે તે મહીંથી પુનિત કરતી પ્રેમની રસધાર,
મુજને શી પછી પરવા, હૃદયમાં પ્રેમ જાગી જાય,
તારી આંખ મારી આંખ સાથે આ જડાઇ જાય.

ડરાવી ના શકે મુજને પછીથી જગતની કો વાત,
સમય કે કાળનાં બંધન અડે ના, ના રહે કો પાપ,
તારી રૂપગંગાની લહર જો એક જ મળી જાય.
તારી આંખ મારી આંખ સાથે આ જડાઇ જાય.

ન રહે દુઃખ, શોક પછી હૃદયની ના રહે કો હાય,
સદાને કાજ શાંતિ હમેંશ મુક્તિ,વહે રસતણી ધાર;
તારા પ્રેમનો જો એક પણ છાંટો જ ઊડી જાય !
તારી આંખ મારી આંખ સાથે આ જડાઇ જાય.

મારા હૃદયના દલદલ પરે તારી સવારી થાય,
જગાવે એક તારો સ્વર સજાવી સર્વ તેના તાર,
મારો પ્રાણનો રસિયો કલાપી મસ્ત માંડે નાચ,
તારી આંખ મારી આંખ સાથે આ જડાઇ જાય.

મારી જિંદગી તો આજ દર્શન સાથ થાય સમાપ્ત,
મદિરા પી તહારી થાય મારો પ્રાણ પૂર્ણ રસાલ,
અનુભવ્યું તે જ શાશ્વત શબ્દમાં સાનંદ સાચે ગાય
તારી આંખ મારી આંખ સાથે આ જડાઇ જાય.

- શ્રી યોગેશ્વરજી