Swargarohan | સ્વર્ગારોહણ

Danta Road, Ambaji 385110
Gujarat INDIA
Ph: +91-96015-81921

જ્યારે સૃષ્ટિ સકળમાં રાજો,
નયન અમારાં કેમ ન નિરખે, વ્યાપક વિશ્વ વિરાજો !

તારામાં, વાદળમાં, કુસુમે દિગદિગંતમાં રાજો
પ્રેમીજનને તો પણ શાને વ્યર્થ સદા તલસાવો ?

અંધારા પડદા અંતરના, કૃપા કરી ના કાપો,
ત્યાં લગ કેમ તમારું દર્શન, કેમ કરી નિરખાઓ !

વાદળ પાછળ ચંદ્ર છુપાયો, કેમ કરી નિરખાયે ?
અહંકાર ને મમતાના પટ, દર્શન કેમ જ થાયે ?

તમારી કૃપા વિના લેશ ના, ઝાંખી તમારી થાયે;
પ્રેમ કરીને જે જાણ્યું તે, પ્રેમે આજ ગવાયે.

- શ્રી યોગેશ્વરજી