Swargarohan | સ્વર્ગારોહણ

Danta Road, Ambaji 385110
Gujarat INDIA
Ph: +91-96015-81921

તારે માટે કેટલો છે પ્રેમ મારા અંતરમાં
કાવ્યમાં આપી શકું શે એહનો ચિતાર;
ચિત્રકાર છું નહીં નહીં તો એક ચિત્ર દોરી
પ્રેમના પીયૂષે કર્યો હોત રંગરાગ !

કોઇ એવી યાદ મને ઉપમાયે આવતી ના
જેમાં વ્યક્ત હોઇ શકે પ્રેમે કેરો ભાવ;
શબ્દ ને વિચારથી અતીત પ્રેમતત્વ સાચે,
અંતરમાં ઉંડે ઉંડે કરી રહું જાણ.

એમ થાય કે તને જો હૈયું ખોલીને બતાવું
તારું એક રૂપ એમાં દેખાયે મહાન
કિન્તુ મારા અંગઅંગમાયે તારી પ્રેમવીણા
બાજી રહી એજ એક છોડીનેઆલાપ !

રૂંવે રૂંવે નાદ તારો, દ્દગમાં આલાપ તારો,
મારી સરિતાનો તારા સિંધુમાં મિલાપ;
અલગ શકે કરી ના આપણે કોઇ કદી,
તાણાવાણા જેમ મળ્યા આપણા છે પ્રાણ.

કાંઇ નહીં, આટલું કહી શકું કે સૂના મારા
અંતરમાં એક તારી મીઠડી છે છાંય;
પ્રેમ કરી મારી સાથે મોટો ઉપકાર કર્યો,
ભૂલી શકું કેમે કરી નહીં તારો પાડ !

- શ્રી યોગેશ્વરજી