Swargarohan | સ્વર્ગારોહણ

Danta Road, Ambaji 385110
Gujarat INDIA
Ph: +91-96015-81921

પ્રભુ તારી પાસેમાં પાસે વિરાજે
ઘટઘટમાં એ તો રાસ રમે છે, મન મંદિરમાં રાજે ... પ્રભુ

ઘરને છોડે તું છોડે કુટુમ્બી, વનમાં વિહરે ને વિરાજે,
પાસે જે પ્રેમ કરે છે તેને, પેખીને પ્રેમે ન દાઝે ....પ્રભુ

વેશ ને નામનો પલટો કરે તું, ત્યાગી બને એને કાજે,
દૂર નથી એ છે પ્રાણની પાસે, જો તું વિચારે તો લાજે ....પ્રભુ

કોઈયે ઠામના ઠાલું એના વિના,જડને ચેતનમાં વિરાજે,
સુમધુર સંગીત બનતાં રમે છે, સાચે સંસારના સાજે ....પ્રભુ

ક્યાં તું શોધી રહ્યો એને કહેને, શોધવું ઉરમાં જ છાજે,
વૃક્ષ ને વેલમાં, પાણી ને પર્વત, જો એ ગગનમાં ગાજે ....પ્રભુ

તન મન અંતર આંખમાં એની, વાંસલડી મધુ વાજે,
મળ તું ત્યાં એને પ્રેમ દયા ને, સેવાના ભાવ જ્યાં રાજે ....પ્રભુ

ભક્તિના ભાવમાં રમજે સદા તું, મમતા અહંકાર ખાજે,
મંગલ પ્રેમનો પ્યાલો અમીનો, પી પી ને અન્યને પાજે ....પ્રભુ

સુંદરતામાં શ્વાસ લે છે ને, સત્યમાં એ તો વિરાજે,
'પાગલ’ પામી લે ત્યાં એને, જગમંદિરમાં રાજે ....પ્રભુ

- શ્રી યોગેશ્વરજી