Swargarohan | સ્વર્ગારોહણ

Danta Road, Ambaji 385110
Gujarat INDIA
Ph: +91-96015-81921

તમારા વિણ હર્ષ ક્યાંથી શાંતિ ને સુખ ક્યાં ?
ઉડે છે ઉલ્લાસ ત્યાંથી તમે ન રહો જ્યાં,
રસ કસ ખરે દૂર થાય, જાય ચેતનતા,
તમારા વિણ ઘોર તમમાં માનવી મરતા.

તમારી રસધારથી સંસાર સુખ પામે,
ઘોર ચિન્તા યાતના ને ક્લેશ સૌ શામે,
તમારી સંજીવનીથી સૃષ્ટિ આ ચાલે,
જિન્દગીનાં ફૂલ ફોરમ મેળવે ફાલે.

તમારા પ્રેમે જ જગ આ છે ટકેલ ખરે,
તમારા સૌંદર્યમાં એ સદા શ્વાસ ભરે,
સત્ય તેમ તેજ પામી તમારું વિલસે,
તમારાથી ટકે તમને રાતદિન તલસે.

મોહિની ને મધુરિમાથી મુગ્ધ જેમ બની,
યુગોની કુદરત કરે છે ખેલકૂદ ઘણી,
કરે પૂજા નદી પર્વત આભ ને ધરતી,
ગાય તમને સિંધુ કરતા ઓટ ને ભરતી.

તજી તમને કોણ પામે શાંતિ ને આરામ ?
કોટિ કલ્પે તજી તમને કો લભે સુખ ધામ ?
તમારો સંબંધ સાધે થાય તે કૃતકામ,
ભય વ્યથા બંધન તજીને થાય આત્મારામ.

ભજે ભાવુક તમોને આશ્ચર્ય એમાં શું ?
ભજો ભાવ થકી તમે એ કરું અરજી હું !
ભલે ના નિર્દોષ તોયે તમારો શિશુ છું !
અજ્ઞ તોય તમારા પય કાજ આતુર હું !

- શ્રી યોગેશ્વરજી