Swargarohan | સ્વર્ગારોહણ

Danta Road, Ambaji 385110
Gujarat INDIA
Ph: +91-96015-81921

જેણે આપ્યું દાન-કાયાનું દાન,
જેણે મને આપ્યું પ્રેમ કરી જ્ઞાન,
અંધારેલાં આતમમંદિર દ્વાર,
જેણે બની ખોલ્યાં પ્રેમળ પ્રકાશ !
કદી તેને ભૂલી શકું ક્ષણવાર ? પળે પળે પ્રેમે કરી રહું યાદ !

વિપત્તિને સંકટ આવ્યાં અપાર,
તેણે આવી ત્યારે લંબાવ્યો હાથ,
જ્યારે જ્યારે ચાલી શક્યા નહિ પાય,
દોર્યો મને, ઊચકીયે લીધો વાટ !
કદી તેને ભૂલી શકું ક્ષણવાર ? પળે પળે પ્રેમે કરી રહું યાદ !

સૂઈ જેની ગોદમાં સાંજ સવાર,
ગૂંથીગૂંથી પ્હેરેલી સ્વપ્નની માળ,
જેણે દુ:ખ તાપમાં ને અસહાય-
હતો ત્યારે ઢાળી અંગે અંગે છાંય !
કદી તેને ભૂલી શકું ક્ષણવાર ? પળે પળે પ્રેમે કરી રહું યાદ !

જેનાં નયનોથી ભરી ભરી જામ,
કર્યો ફૂલવંતો મેં : જીવનબાગ,
આંસુને રેલી જેની ગોદમાં લાખ,
નિરાશા, જાગ્યો લઈ આશ ને હાસ,
કદી તેને ભૂલી શકું ક્ષણવાર ? પળે પળે પ્રેમે કરી રહુ યાદ !

તેની રસથી ભર મંગલ યાદ,
લપેટીને રાખીશ અંતર માંહ્ય,
તેના પ્રેમમાંથી ભરી ભરી જામ,
રહીશ હું જીવી સમ્રાટ સમાન !

અનંત યુગો લગ સાચેસાચે હું તેનો ન છોડીશ પ્રેમનો સ્વાદ !
કદી તેને ભૂલી શકું ક્ષણવાર ? પળે પળે પ્રેમે કરી રહુ યાદ !

- શ્રી યોગેશ્વરજી