१६. अग्निहोत्राद्दि तु तत्कार्यायैव तद्दर्शनात् ।
અર્થ
અગ્નિહોત્રાદિ = કર્મોના અનુષ્ઠાનનું વિધાન.
તુ = તે
તદ્દર્શનાત્ = શ્રુતિ તથા સ્મૃતિમાં એવું જણાવેલું છે.
ભાવાર્થ
આત્મજ્ઞાની પરમાત્મદર્શી મહાપુરૂષનો કર્મોની સાથે કોઈ પ્રકારનો સંબંધ નથી રહેતો તો પણ ઉપનિષદે એને માટે આજીવન અગ્નિહોત્ર જેવાં કર્મોનું વિધાન કરેલું છે તેનું કારણ લોકસંગ્રહ છે. મહાપુરૂષો જે જે સત્કર્મો કરે છે તેમાંથી બીજા પુરૂષોને અથવા સામાન્ય જનસમાજને પ્રેરણા મળે છે. તેથી તેવાં કર્મોની પરંપરા નથી તૂટતી. મહાપુરૂષોને એવાં કર્મો કરીને કશું જ મેળવવાનું કે ના કરવાથી કશું જ ખોવાનું નથી હોતું તો પણ તે કર્મમાં રત રહે છે તેનું કારણ એમના હૃદયમાં રહેલી લોકહિતની ભાવના છે. ઉપનિષદમાં વિદેહી જનક, અશ્વપતિ અને મહર્ષિ યાજ્ઞવલ્કયનાં ઉદાહરણો આવે છે. એ અને એવાં બીજાં ઉદાહરણોને એ સંદર્ભમાં જ સમજવાનાં છે.
---
१७. अतोङन्यापि ह्येकेषामुभयोः ।
અર્થ
અતઃ = એનાથી.
અત્યાપિ = બીજી ક્રિયા કે પ્રવૃત્તિ પણ.
ઉભયોઃ- જ્ઞાની અને સાધક બંનેને માટે.
હિ = જ.
એકેષામ્ = કોઈ એક શાખાવાળાના મતમાં વિહિત છે.
ભાવાર્થ
ઉપનિષદમાં કેટલેક ઠેકાણે એ સિવાયનાં બીજાં લોકોપયોગી આવશ્યક સત્કર્મોના અનુષ્ઠાનનો આદેશ આપવામાં આવ્યો છે. કર્તાપણાના અહંકારને ત્યાગીને, રાગદ્વેષ, મમતા, આસક્તિ તથા ફળની વાસનામાંથી મુક્તિ મેળવીને જ્ઞાનીને માટે સત્કર્મપરાયણ બનવાનું વિધાન કરવામાં આવ્યું છે.
---
१८. यदेव विद्ययेति हि ।
અર્થ
યત્ = જે.
એવ = પણ.
વિદ્યયા = વિદ્યાની સાથે (કરવામાં આવે છે.)
ઈતિ = એવું જણાવનારી શ્રુતિ છે.
હિ = એટલા માટે. (કોઈક ઠેકાણે વિદ્યા કર્મોનું અંગ હોઈ શકે છે)
ભાવાર્થ
છાંદોગ્ય ઉપનિષદમાં જણાવ્યું છે કે જે કર્મ વિદ્યા, શ્રદ્ધા અને ભાવભક્તિપૂર્વક કરવામાં આવે છે તે વધારે બળવાન બને છે. એ વચન કર્મોના અંગભૂત ઉદ્ ગીથ આદિની ઉપાસનાના પ્રકરણનું છે. એથી એનો સંબંધ એવી ઉપાસના સાથે છે. એ વિદ્યાનો અર્થ બ્રહ્મવિદ્યા નથી થતો. એટલે બ્રહ્મવિદ્યાને એ કર્મોના અંગરૂપ ના માની શકાય એ પ્રકારની ઉપાસનામાં જેનું વર્ણન કરવામાં આવ્યું છે તે વિદ્યાને જ એ કર્મોના અંગરૂપે ઓળખાવી શકાય.
---
१९. भोगेन त्वितरे क्षपयित्वा सम्पद्यते ।
અર્થ
ઈતરે = સંચિત તથા ક્રિયમાણ સિવાયના બીજાં પ્રારબ્ધ કર્મોનો.
તુ = તો.
ભોગેન = ઉપભોગ દ્વારા.
ક્ષપયિત્વા = ક્ષય કરીને.
સમ્પદ્યતે = (એ જ્ઞાની) પરમાત્માને પ્રાપ્ત થઈ જાય છે.
ભાવાર્થ
આત્મદર્શી મહાપુરૂષના સંચિત કર્મોનો નાશ થાય છે અને ક્રિયમાણ કર્મોનો સંબંધ એને રહેતો નથી. બાકી જે શુભાશુભ પ્રારબ્ધ કર્મો હોય છે એમનો ભોગ દ્વારા નાશ કરીને એવો મહાપુરૂષ પરમાત્માને મળી જાય છે ને સર્વ પ્રકારના બાહ્યાભ્યંતર બંધનોમાંથી મુક્તિ મેળવે છે.
અધ્યાય ૪ - પાદ ૧ સંપૂર્ણ