{slide=Churning of the Ocean}
The story of churning of the ocean by Devas (deities) and Asuras (demons) is an interesting part of Hindu mythology. In order to get amrut (ambrosia), they employed Vasuki snake as a rope and Mandarachal mountain as a churner. Lord Vishnu assumed the form of a Kurma (turtle) to prevent the mountain from sinking and supported it.
As a result of churning, cloud of poison (kalkut) emerged from ocean, which was swallowed by Lord Shiva. Thereafter, precious gems, Kamadhenu, Panchajanya (conch shell), Apsaras, Goddess Laxmi and finally, Dhanvantri, with a pot of nectar appeared. When demons started fighting for nectar, Lord Vishnu appeared in a woman form (Vishwamohini) and convinced demons to hand over pot of nectar. Thus, Gods became immortal and demons lost.
The moral of the story is that a spiritual aspirant should not fall prey to material pleasures.
{/slide}
મહાભારત મહાગ્રંથમાં કહ્યા પ્રમાણે પ્રકાશના પરમ પ્રજ્વલિત પૂંજ જેવો મેરુ નામનો પર્વત.
પોતાનાં સુવર્ણ સરખાં શુદ્ધ અને સમુજ્જવળ શિખરોની સહાયતાથી પ્રભાકરની પ્રભાને પણ ઝાંખી પાડનાર.
એ અદભુત પર્વતને દેવો અને ગંધર્વો સેવી રહેલા. અધર્મી માનવોને માટે દુર્ગમ ગણાતો.
ભયંકર સર્પાદિથી વીંટાયેલો. અસંખ્ય અલૌકિક ઔષધિઓથી અલંકૃત બનેલો. સરિતા તથા સુંદર સુવિશાળ વૃક્ષોથી ભરેલો. વિવિધ પ્રકારનાં સુમનોહર સુધાસભર સ્વરવાળાં વિહંગોના સમૂહોના નિનાદથી ગાજી રહેલો. પોતાની અસાધારણ ઊંચાઇને લીધે જાણે કે સ્વર્ગલોકને ઢાંકીને ઊભેલો.
એના વિભિન્ન શિખરો મહામૂલ્યવાન રત્નોથી ભરપૂર દેખાતાં.
એ સુંદર સુવિશાળ સ્વર્ણ શિખરો પર બેસીને સ્વર્ગનિવાસી પરમ તેજસ્વી દેવો અમૃતને મેળવવા માટે મંત્રણા કરવા લાગ્યા.
એ મંત્રણા દરમિયાન બ્રહ્માને નારાયણે જણાવ્યું કે દેવો તથા દાનવો મળીને સંયુક્ત રીતે સમુદ્રનું મંથન કરો તો એમાંથી અમૃત નીકળશે. સઘળાં રત્નોને અને સમસ્ત ઔષધિઓને મહાસાગરમાં નાખીને એનું મંથન કરો એટલે અમૃતની ઉપલબ્ધિ થશે.
નારાયણના મંગલ માર્ગદર્શન પ્રમાણે દેવોએ શેષનાગની મદદથી પર્વતશ્રેષ્ઠ મંદરાચલને સમુદ્રમાં ઉતારીને એના મંથનનો ઉદ્યોગ આરંભ્યો.
નારાયણના અમોઘ આશીર્વાદથી પરમ શક્તિશાળી બનેલા દેવો અને દાનવો સમુદ્રમંથન કરવા માંડયા. એના પરિણામે સમુદ્રમાંથી અસંખ્ય શીતળ કિરણોવાળો, ઉજ્જવળ, પ્રસન્નમન, સુધાસભર ચંદ્ર પ્રાદુર્ભાવ પામ્યો. એ પછી લક્ષ્મી પ્રગટયાં. પછી સુરા, ઉચ્ચૈઃશ્રવા નામે શ્વેત અશ્વ, કૌસ્તુભમણિ અને અમૃત ભરેલું શ્વેત કમંડલ ધારીને ભગવાન ધન્વંતરીનું પ્રાગટય થયું એ પછી ચાર ઉજ્જવળ દાંતવાળો ઐરાવત નામનો હાથી નીકળ્યો અને ધુમ્રસમૂહ સાથેના અગ્નિની પેઠે જલી રહેલું કાલકૂટ નામનું વિશ્વને વીંટી વળનારું વિષ પેદા થયું.
એ વિષની મહાભયંકર જીવલેણ ગંધથી ત્રણે લોક મૂર્છિત થઇ ગયા.
બ્રહ્માની પ્રાર્થનાને લક્ષમાં લઇને મંત્રમૂર્તિ ભગવાન મહેશ્વરે એ વિષને વિશ્વકલ્યાણની ઉદાત્ત ભાવનાથી પ્રેરાઇને પોતાના કંઠમાં ધારણ કર્યું. ત્યારથી એ નીલકંઠ તરીકે પ્રખ્યાતિ પામ્યા.
દાનવોને સમુદ્રમંથનના પરિણામે સાંપડેલી સુધા તથા લક્ષ્મીને મેળવવાનો મનોરથ જાગવાથી એ દેવોનો વિરોધ તથા વિદ્વેષ કરવા લાગ્યા.ત્યારે એમને સંમોહિત કરવા માટે નારાયણે પોતાની માયાથી મોહિનીરૂપ ધારણ કર્યું.
એ મોહિનીમાં આસક્ત બનીને ભ્રાંતચિત્ત થયેલા દાનવોએ એને અમૃતપાત્ર આપી દીધું. દેવોને એ અમૃતપાત્ર દ્વારા અમૃતનું પાન કરાવવામાં આવ્યું.
દાનવોને જ્યારે સાચી વસ્તુનો ખ્યાલ આવ્યો ત્યારે એ દેવો પ્રત્યે ક્રોધે ભરાયા. એના પરિણામે ભયંકર દેવાસુર સંગ્રામનો આરંભ થયો. એમાં અંતે દેવોનો વિજય થયો.
સમુદ્રમંથનની એ કથા શું સચવે છે ? એનો સારાંશ શો હોઇ શકે ?
આપણને કથાના શબ્દાર્થ કરતાં ભાવાર્થ સાથે જ સવિશેષ સંબંધ છે. માનવજીવનનો સુવિશાળ સુદુસ્તર સત્વશીલ સમુદ્ર. મનરૂપી મેરુ અથવા મહામૂલ્યવાન મંદરાચલ. મનમાં દેવો પણ રહે ને દાનવો પણ નિવાસ કરે. મનરૂપી મંદરાચલની મદદથી માનવજીવનના સર્વશ્રેયસ્કર સાધનાત્મક અભ્યાસક્રમનો આધાર લઇને ઉદ્યોગ કરે. જીવનના શુભાશુભ સંસ્કારોના, ઉદાત્ત અથવા અનુદાત્ત પરિબળોના સંયુક્ત સહકારથી એવો ઉદ્યોગ આરંભાય. સમસ્ત જીવનની સાધનાનું પરમ પ્રયોજન અથવા અંતિમ લક્ષ્ય અમૃતની - અમૃતસ્વરૂપ પરમાત્માની પ્રાપ્તિ હોય. એને માટેની સાધનાની પાછળ પરમકૃપાળુ નારાયણના અસાધારણ અમોઘ આશીર્વાદ હોય.
જીવનના ક્ષીરસમુદ્રમાં સાધનાત્મક પુરુષાર્થના મંગલમય મંથનનો આરંભ થાય એટલે સાધકને નાનીમોટી સિદ્ધિઓ સાંપડે. સાધક એમને મહત્વની માનીને, એમને મેળવીને બેસી રહેશે કે અમૃત માટેના સાધનાત્મક ઉદ્યોગમાં આગળ વધશે એનો આધાર એની પોતાની સંસ્કારિતા તથા સમજશક્તિ પર રહે છે. સિદ્ધિના સંમોહનમાં પડેલો ને ભાન ભૂલેલો સાધક અમૃતના અલૌકિક આસ્વાદનો અને અમૃતનો અધિકારી નથી બની શક્તો. પ્રકૃતિના અનેકવિધ અનંત ઐશ્વર્યના મનમોહક મોહિનીરૂપથી મોહિત થાય છે. એવું ના થાય એટલા માટે માનવે જીવનવિકાસની સર્વોત્તમ સાધના દરમિયાન જાગ્રત રહેવું જોઇએ, અને પોતાની અંદર રહેલા દાનવને દૂર કરવાની, આસુરી સંપત્તિનો સંબંધવિચ્છેદ કરવાની, કોશિશ કરવી જોઇએ.
અમૃતનું પાન દાનવોથી નહિ થાય, દેવોથી જ થઇ શકશે. માનવની દબાયેલી, વિસ્મૃત પામેલી, દિવ્યતાનો એટલા માટે જ પુરસ્કાર કરવો રહેશે. જીવનને આસુરી સંપત્તિના આધિપત્યને બદલે દૈવી સંપત્તિ કે શક્તિની પ્રબળતાથી પ્રાણવાન ને પવિત્ર કરવું પડશે.
ઇશ્વરના અમોઘ આશીર્વાદથી આરંભાયેલી જીવનવિકાસની, પૂર્ણતાની, પ્રતિષ્ઠાની, અંતરંગ આશીર્વાદરૂપ સાધનાના વચગાળાના વખતમાં કોઇ વાર વિષ પણ નીકળશે. લોકાપવાદ, દુન્યવી હાનિ, સંતાપ, પ્રમાદ, નિષ્ફળતા, હતાશા, વિષાદ, વિપરીતતા, વ્યાધિરૂપી વિવિધરંગી વિષ. નિર્બળ નાસીપાસ થશે, ડરશે, ને ચલાયમાન બનશે, પરંતુ જીવનનો સબળ સાધક એનાથી ડરી કે ડગી નહીં જાય. એ વિષનું એ કલ્યાણકારક બનીને પ્રેમપૂર્વક પાન કરશે. એવો સાધક સાધનાના સર્વોત્તમ વિકાસશિખરને સર કરશે અને આત્યંતિક વિજય મેળવશે. જીવન છે જ - મળ્યું છે જ અમૃતનું પાન કરવા. એની મદદથી અમૃતને ના મેળવીએ તોપણ વિષનું વમન તો ના જ કરીએ. જે અમૃતને મેળવવા મનોરથ કરતા કે મથતા હોય તેમના માર્ગમાં વિષને ના ફેલાવીએ તોપણ ઘણું.
– © શ્રી યોગેશ્વરજી (મહાભારતના મોતી)