આદિ પર્વ

પરીક્ષિતને શાપ

{slide=Curse to Parikshit}

King Parikshit went deep into the forest for hunting. There, he saw a hermit, Sage Shamik. King asked Sage Shamik about his hunt but the sage did not reply as he had a vow of silence (mauna) and he knew nothing about King's hunt. Sage's silence made King Parikshit lose his temper. He saw a dead serpent there, so he picked it up and threw on the Sage. Yet, the sage did not respond and remained calm.

Later, when Shamik's son, Shrungi came back and saw a dead serpent on his father, he asked about it. Shrungi came to know about Parikshit's misdeeds. He cursed the King that on the following 7th day, a deadly serpent named 'Takshak' will take King's life.

{/slide}

મહાભારતમાં મહારાજા પરીક્ષિતનું ઉપાખ્યાન પણ જોવા મળે છે.

ભારત વર્ષના મહાભારત જેવા જ અન્ય અગત્યના મનાતા સાંસ્કૃતિક સદગ્રંથ શ્રીમદ્ ભાગવતમાં એ ઉપાખ્યાન આવે છે. એ ઉપાખ્યાન સુપ્રસિદ્ધ હોવાથી એની વિગતથી સામાન્ય રીતે સૌ કોઇ સુપરિચિત હોવાં છતાં પણ એના ઉપર ઊડતો દૃષ્ટિપાત કરી જઇએ.

વનમાં મૃગયા માટે નીકળેલા પરીક્ષિતે મૃગને બાણ મારીને એનો પીછો કર્યો અને છેવટે એકાંત શાંત આહલાદક અરણ્યમા પ્રવેશ કર્યો.

ત્યાં એક મૌનવ્રત ધારી મુનિને નિહાળીને પોતાનો પરિચય આપ્યો અને અરણ્યમાં અદૃશ્ય થઇ ગયેલા મૃગ વિશે પૂછ્યું, પરંતુ મુનિએ મૌનવ્રતધારી અને એ મૃગ વિશે કશું જ જાણતા નહિ હોવાથી, કશો ઉત્તર ના આપ્યો.

શ્રીમદ્ ભાગવતમાં તે મુનિનું નામ શમીક મુનિ આપવામાં આવ્યું છે પરંતુ મહાભારતમાં એમનો ચોક્કસ નામનિર્દેશ પ્રથમ નથી મળતો, પાછળથી મળે છે. શ્રીમદ્ ભાગવતના કથાલેખન પ્રમાણે મહારાજા પરીક્ષિતે આશ્રમમાં પ્રવેશ કર્યો ત્યારે શમીક મુનિ ધ્યાનમગ્ન દશામાં બેઠેલા, પરંતુ મહાભારતના આલેખન પ્રમાણે એ ગોચરના સ્થાનમાં બેસીને ધાવતી વખતે વાછરડાના મુખમાંથી બહાર નીકળતા દૂધના ફીણને પીતા હતા. એ બંને મહાગ્રંથોના વર્ણનમાં એવી રીતે થોડોક તફાવત દેખાય છે.

પરંતુ મૂળ કથામાં કશો તફાવત નથી દેખાતો. એ કથા પ્રમાણે ક્રોધાતુર બનેલા પરીક્ષિતે ધનુષની મદદથી મરેલા સાપને ઉપાડીને મુનિના ખભા પર નાખ્યો. એ છતાં પણ મુનિ શાંત જ રહ્યા. એમણે રાજાને કશું શુભાશુભ કહ્યું નહીં. એથી રાજાનો ક્રોધ મટી ગયો અને એણે વ્યથિત હૃદયે રાજધાની પ્રતિ પ્રયાણ કર્યું.

મુનિ પર ક્રોધ કરવાનો ને મરેલા સાપને નાખવાનો એ પ્રસંગ મહારાજા પરીક્ષિતને માટે સારો કે શોભાસ્પદ ના ગણાય. એક રાજાની પોતાની પ્રજા પ્રત્યેની જવાબદારી ઘણી અસામાન્ય કહેવાય. એમાં પણ અરણ્યવાસી એકનિષ્ઠ સાધનામગ્ન મુનિજનો પ્રત્યેનો એનો વ્યવહાર વધારે વિવેકયુક્ત, નમ્ર, સૌજન્યમય અને સમુદાર હોવો જોઇએ. રાજા પોતાના વ્યક્તિગત વ્યવહારથી પ્રજાના અન્ય વર્ગોને માટે આદર્શ અનુકરણીય ઉદાહરણરૂપ બને છે. પરીક્ષિતને એનો ખ્યાલ ના રહ્યો. એની મતિ મલિન બની ગઇ. એથી ઊલટું, મુનિનું મન એવું જ મંગલ રહ્યું. એ કોઇ પણ પ્રકારની અનાવશ્યક ઉત્તેજના વગરના, સાત્વિક તથા શાંત રહ્યા. એમના વ્યવહારે એમના જીતેન્દ્રિયપણાની પ્રતીતિ કરાવી. એમને માટે એવી પવિત્ર પ્રતિક્રિયા યોગ્ય જ હતી.

પરંતુ એ સાધારણ દેખાતી ઘટનાએ પાછળથી ઘણું મોટું સ્વરૂપ ધારણ કર્યું. ઋષિના સુપુત્ર શૃંગીને એ પ્રસંગની માહિતી મળતાં સ્વાભાવિક રીતે જ અતિશય ક્રોધ થયો. એ માહિતી એણે પોતાના સહાધ્યાયી કૃશ પાસેથી મેળવી. એણે તરત જ ક્રોધાતુર બનીને કહ્યું કે જે અપરાધી રાજાએ મારા વયોવૃદ્ધ મૌનવ્રતધારી પિતાના ખભા પર મરેલા સાપને નાખ્યો છે તે પાપીને, બ્રાહ્મણોનું અપમાન કરનારને, કુરુકુળને અપયશ આપીને કલંકિત કરનારને અતિશય ક્રોધી, ઝેરી, તીવ્ર તેજવાળો સર્પનાથ તક્ષક મારા વચનથી પ્રેરાઇને આજથી સાતમે દિવસે યમસદનમાં લઇ જશે.

એનું નામ ભવિતવ્ય. વિધિના લેખ. પ્રારબ્ધ. જે કહો તે.

મહારાજા પરીક્ષિત ગયેલા મૃગયા કરવા અને કરી ગયા બીજું જ. દોડેલા મૃગની પાછળ પરંતુ પ્રારબ્ધ એમની પાછળ દોડયું. જેની એમને કલ્પના પણ નહિ તેવી ઘટના બની ગઇ.

મહાભરતની એ કથા પરંપરા સૂચવે છે કે માનવ ગમે તેટલો બળવાન હોવા છતાં નિર્બળ છે. પ્રાણવાન હોવા છતાં પંગુ છે. પ્રકૃતિની પરવશતામાંથી મુક્ત નથી ત્યાં સુધી પ્રકૃતિના હાથમાં કઠપૂતલી બનીને રમ્યા કરે છે. એ પરવશતામાંથી જે મુક્તિ મેળવે છે તે વીર કહેવાય છે. મહાવીર.

મુનિ એવા મહાવીર હોવાથી શૃંગીએ આપેલા શાપની વાતને એના જ શ્રીમુખે સાંભળીને દુઃખી થયા. એમણે જણાવ્યું કે "તે યોગ્ય કર્યું નથી. મારું પ્રિય કર્યું નથી. તપસ્વીઓનો એ ધર્મ નથી. આપણે તે રાજાના દેશમાં રહીએ છીએ. એણે આપણું ન્યાયપૂર્વક પાલન કર્યું છે. તેથી એનું અહિત કરવાનું મને ના ગમે. મને લાગે છે કે એને મારા વ્રતની માહિતી ન હતી એથી જ આવું કુકર્મ કર્યું. એ ક્ષુધાતુર તથા તૃષાર્ત હોવાથી વિવેકબુદ્ધિને ખોઇ બેઠો લાગે છે."

"તું શમથી સંપન્ન બનીને, વનમાં ફળફૂલને ખાઇને, ક્રોધને કાઢી નાખીને તપ કર. ફરી વાર ધર્મનો આવો ક્ષય ના કરતો. ક્રોધ જિતેન્દ્રિય મુનિઓએ સંચિત કરેલા ધર્મને હરી લે છે, અને ધર્મવિહીનને કદી સદગતિ નથી મળતી. ક્ષમાશીલ યતિઓની શાંતિ જ સિદ્ધિદાયિની હોય છે. ક્ષમાવાનને આ લોક અને પરલોક બંને મળી શકે છે. તેથી તું સદા ક્ષમાશીલ અને જિતેન્દ્રિય રહીને તપ કર. ક્ષમાશીલ બનવાથી જ તને બ્રહ્મલોક પાસેના કર્મમુક્તિ આપનારા લોકોની પ્રાપ્તિ થશે."

શમીક મુનિએ પોતાનું અશુભ કરનારનું હિત જ ઇચ્છયું, એમણે મહારાજા પરીક્ષિતને પાછળની સઘળી પરિસ્થિતિથી પરિચિત કરવા માટે એની પાસે એમના ગૌરમુખ નામના શિષ્યને મોકલ્યો.

– © શ્રી યોગેશ્વરજી (મહાભારતના મોતી)

We use cookies

We use cookies on our website. Some of them are essential for the operation of the site, while others help us to improve this site and the user experience (tracking cookies). You can decide for yourself whether you want to allow cookies or not. Please note that if you reject them, you may not be able to use all the functionalities of the site.