ભગવાન શ્રીકૃષ્ણનું સ્મિત !
ગુલાબના ગોટાઓ જેમ સહજ સુવાસથી સુવાસિત હોય છે
તેમ તદ્દન સ્વાભાવિક હતું એ સ્મિત.
એ સુખદ સ્મિતના દર્શન માટે કલ્પનાની પાંખ પર ચઢીને
મહાભારતના યુદ્ધમેદાનમાં પહોંચી જઈએ.
પરમ પવિત્ર પ્રેમથી પ્રેરાયલા કૃષ્ણ પોતાના પ્રિય સખા, સુહૃદ
અર્જુનના સારથિ થઈને એ વિશાળ મેદાનમાં રથમાં બેસીને આવી પહોંચ્યા.
અર્જુનના અંતરમાં અદમ્ય ઉત્સાહ ઉછળવા લાગ્યો.
એની મહત્વકાંક્ષાએ માઝા મૂકી, વીરતા વિલાસે ચઢી.
એ સ્મિત ત્યારે પણ એટલું જ આકર્ષક અને અનેરું રહ્યું.
અને બીજી જ ક્ષણે,
અર્જુને ‘યુદ્ધ નથી કરવું’ કહીને ગાંડીવનો પરિત્યાગ કર્યો
ત્યારે પણ એમાં કશું જ પરિવર્તન ના થયું.
અંધકારથી આવૃત્ત આકાશમાંની ચંદ્રકલાની પેઠે એ એવું જ અકબંધ રહ્યું.
એ સ્મિત આજે પણ અત્યંત આકર્ષક અને આહલાદક લાગે છે !
પ્રેરણા પૂરી પાડે છે.
જીવનના જટિલ જંગમાં ત્યારે અંધકારના ઓળા એકાએક ઊતરી પડ્યા હોય;
આશાનું એકે કિરણ ના રહ્યું હોય;
પ્રેરણા, પ્રકાશ કે પથપ્રદર્શનનું નિશાન પણ ના દેખાય;
સ્વજનો તથા સુહૃદો વિરોધી થાય;
ચિંતા વિષાદ અને વિચારોના વિપરીત વમળોમાં
આર્ત અને અનાથ જેવો એકાકી આત્મા અટવાઈ જાય;
અને જ્યારે સાધારણ કે અસાધારણ સ્મિતની શક્યતા જ ના હોય
ત્યારે પણ....
મારા મુખ પરનું સ્મિત ના સુકાય,
મારું દિલ ના દુખાય :
મેઘધનુશું મધુતાભર્યું, સૌંદર્યછલ્યું, સુધાસભર, સ્વર્ગીય સ્મિત
મારા જીવનમાં અમર રહે, ધીરજ હિંમત તથા બળ ધરે,
મારી મહામૂલી મૂડી બને, એવી મારી આકાંક્ષા છે.
માટે જ મને એ સ્મિત ખૂબ જ પસંદ પડ્યું છે, પ્રિય લાગ્યું છે,
મેં એને અક્ષરદેહમાં મઢ્યું છે.
ભગવાન શ્રીકૃષ્ણનું સ્મિત !
- શ્રી યોગેશ્વરજી

