હું તને પ્રેમી નહિ કહું :
અમાસની અંધારી રાતે
પાલવની પાછળના પ્રદીપના પ્રકાશમાં એ આવી
અને મારા મંદિરમાં ઊભી રહી.
એના મુખ પર પ્રસ્વેદ હતો.
શરીર ખૂબ જ સુંદર, તેજોમય છતાં કૃશ હતું.
એણે જણાવ્યું, ‘મારે એક કામ માટે આવવું પડ્યું છે.’
‘કયું કામ? ’ મેં સસ્મિત પૂછ્યું.
‘આ બહારનો અંધકાર જોયો ?’
‘મારા જીવનમાં એવી રીતે અંધકાર ફેલાતો જાય છે.
પરંતુ તારા જીવનમાં પ્રકાશ પથરાય છે.
પૂર્ણતાનું પ્રભાત પ્રગટવાની તૈયારી છે ’
‘હું તમારી શી સેવા કરું ?’
એની આંખમાં અશ્રુ આવી ગયાં.
એ બોલી: ‘પૂર્ણતાના રાજ્યમાં મારે રઝળવું પડે છે;
ક્ષુધા તથા પિપાસાથી મરવું રહે છે. એથી જ હું શોકિત છું.’
‘અહીં આવશો ?’મેં પ્રેમથી પૂછ્યું.
એના મોઢે શરમના શેરડા ફરી વળ્યા.
એણે તરત કહ્યું: ‘ હા.’
‘તારા પ્રેમના પુરસ્કારરૂપે દીપકનું દાન કરતી જાઉં છું. મારું નામ માનવતા.’
અને એ મારા હૃદયમાં પ્રવેશી ગઈ.
- શ્રી યોગેશ્વરજી

