Swargarohan | સ્વર્ગારોહણ

Danta Road, Ambaji 385110
Gujarat INDIA
Ph: +91-96015-81921
હું પણ તને પ્રેમ કરું છું; તને ખબર છે ?
હું પણ તને પ્રેમ કરું છું.

અનંત સમયથી ને પ્રખર પ્રણયથી.
મારા અંતરમાં એક તને જ ધારી,
હું પણ તને પ્રેમ કરું છું; તને ખબર છે ?

મારી વીણાને દિનરાત તારા જ સંગીતસ્વરે ભરું છું.
આંખમાં અશ્રુ સાથે તેમાંથી વહું છું :
પદેપદે, પળેપળે તને અર્ઘ્ય ધરું છું, નિતનૂતન વરું છું.
તને ખબર છે ? હું પણ તને પ્રેમ કરું છું.

તારી રૂપસુધામાં સ્નાન કરતાં કરતાં-
તારી દૈવી દૃષ્ટિમાં મારાં સર્વસ્વનું સમર્પણ કરતાં,
તારી પાછળ પાગલ પાગલ ફરું છું.
તને ખબર છે ? હું પણ તને પ્રેમ કરું છું.

ગહન ને ઘોર સાગરમાં
તારે લીધે તો તરું છું.
તને ખબર છે ? હું પણ તને પ્રેમ કરું છું.

- શ્રી યોગેશ્વરજી