સૃષ્ટિની સફરમાં સામેલ થઈને સનાતન એવું શું મેળવ્યું મુસાફર !
તેં સનાતન એવું શું મેળવ્યું ?
તેં જે મેળવ્યું છે તે બધું સનાતન નથી.
ધન, ઘર, વૈભવ, સ્ત્રી, સંતાન,
એ બધું સ્થાયી નથી : અસ્થાયી છે, ક્ષણભંગુર છે,
પાણીના પરપોટાની પેઠે પરિવર્તનશીલ છે.
તું જ્યારે આ વિશ્રામસ્થાનમાંથી વિદાય થઈશ,
આ સફરને છોડીને બીજે જઈશ ત્યારે,
શું લઈ જઈશ તે જાણે છે ?
આમાંથી કશું જ તારી સાથે નથી આવવાનું.
એટલા માટે એવા પદાર્થની પ્રાપ્તિને માટે પુરુષાર્થ કર જે સનાતન હોય,
સદાને સારું તારી સાથે હોય :
જેને જોઈને તું કહી શકે. હિંમતપૂર્વક કહી શકે,
કે સૃષ્ટિની સફરમાં સામેલ થઈને તેં સનાતન એવું કશુંક મેળવ્યું-
-સદાને સારું સાથે રહે એવું કશુંક મેળવ્યું.
- શ્રી યોગેશ્વરજી

