જલતરંગની ગત આજે બરાબર બજતી નથી :
સામે દેવદાસી નૃત્ય કરી રહી છે,
ને ગાયકોની મંડળી તેને વાજિંત્રોનો સાથ દઈ રહી છે,
પણ મારી ગત આજે મળતી નથી :
જલતરંગની ગત આજે બજતી નથી.
વસંતનો સુમધુર પવન છે
ને પૂર્ણિમાની પ્રભા બહાર ફરી વળી છે:
પાસેના આમ્રવૃક્ષો પર મંજરી શોભી રહી છે,
અને આ બધાયે રસમાં દેવદાસી પૂરી રસીક બની છે :
પણ મારી ગત આજે મળતી નથી.
અરે અભાગી હૃદય !
ઘેર જઈને તું કેમ કહેશે કે તેં પણ તારી પૂજા ધરી હતી :
સૌન્દર્યની સાક્ષાત દેવી તારી સામે નૃત્ય કરતી હતી
તો તેં પણ તારી પૂજા ધરી હતી !
પણ ગત તો મળતી જ નથી !
એટલામાં તો મેં મારી ગત મૂકી દીધી :
મને ખબરેય ના પડી કે મારી વ્યથા ક્યાં મરી ગઈ
પણ બહારની આમ્રપલ્લવી પાસે કોકીલે ટહુકાર કર્યો
અને રસની નિંદ્રામાંથી હું જાગ્યો
તો જોયું કે દેવદાસીએ પોતાનો હાર મને પહેરાવ્યો હતો !
- શ્રી યોગેશ્વરજી

