સમી સાંજે, હિમપ્રદેશની એ ગંગાકિનારાની એકાંત ઓરડીમાં
એક લૂંટારો આવ્યો ને પૂછવા માંડ્યો,
'તારું મરણ શાથી છે ?
લોકો તો તને અમર કહે છે !
સાંભળ્યું છે, તારામાં સિંધુ જેવું વિશાળ જ્ઞાન છે;
તેને લઈ લેવાથી તારું મરણ થશે ?'
'ના,' મેં ઉત્તર આપ્યો.
'તો શું બુદ્ધિને લઈ લેવાથી થશે ?'
'ના,' મેં પાછો ઉત્તર આપ્યો.
'તો શું તારી દ્યુતિ ને આ તારો વૈરાગ્ય.......એને લઈ લેવાથી ?'
'ના,' મેં પાછો એ જ જવાબ વાળ્યો.
'તો શું તારું તપ ને એને પરિણામે ઉત્પન્ન થયેલું અલૌકિક ઐશ્વર્ય, એને લઈ લેવાથી ?'
'ના,' મેં ફરી કહ્યું.
'તો શું શીલને લઈ લેવાથી ?'
મેં કહ્યું, 'ના; ના ! મારા જીવનની ગુપ્ત ચાવી પ્રેમ છે;
ને એનાથી જ હું અમર છું .... અભય છું .... આનંદમય છું !
- શ્રી યોગેશ્વરજી

