Swargarohan | સ્વર્ગારોહણ

Danta Road, Ambaji 385110
Gujarat INDIA
Ph: +91-96015-81921
મારા દેશને દુઃખ, દળદર ને ગુલામીનાં બધાં જ બંધનમાંથી મુક્ત કરો,
હે મારા મુક્તિમય ને દયામય !
સમૃદ્ધિ, સન્મતિ ને સદાચાર તથા સત્કર્મથી સંપન્ન કરો !
દેવોને પણ પ્રિય, મારા મંગલમય દૈવી દેશને
બધાં જ બંધનથી મુક્તિ મળો !

વાસંતી સવારનો તાજો વાયુ
દેવનો દૂત બનીને બધે ફરી વળે છે ને તાજગી ભરે છે,
તેમ જડને જીવન ધરો ને નિષ્પ્રાણની પેઠે પડેલાંની અંદર તાજગી ભરો !
હે મારા મુક્તિમય ને દયામય !
દીન, હીન ને હડધૂતની આરતી કરો
ને અનાથને તમારું અમૃતમય આલિંગન ધરો !

દુનિયાના નાના ને મોટા, સુખી ને દુઃખી,
બધા દેશોને ગુલામીનાં સારાં ને નરસાં બધાં જ બંધનમાંથી મુક્તિ મળો !
માનવકુળને મધુમય ને એકાકાર કરો !
એ મંગલ કાર્યમાં મારા નાના સરખા જીવનની ભલે આહુતિ ધરો !
તે વિના હું તમને દયામય, મુક્તિમય ને ન્યાયી નહિ કહું.

મારા દેશને દુઃખ, દળદર ને ગુલામીનાં બધાં જ બંધનથી મુક્ત કરો,
હે મારા મુક્તિમય ને દયામય !
દેવોને પણ પ્રિય મારા મંગલમય દૈવી દેશને
બધાં જ બંધનથી મુક્તિ મળો !

- શ્રી યોગેશ્વરજી