Swargarohan | સ્વર્ગારોહણ

Danta Road, Ambaji 385110
Gujarat INDIA
Ph: +91-96015-81921
અત્યાર સુધી મેં મારા મનને કુંવારું રાખ્યું.
વિષયોના વનમાં મે એને લાયક વર શોધ્યો,
પણ એ હાથ ન લાગ્યો.
સંસારના ભોગોમાં મેં એનો રસિક જોયો,
પણ એનો પત્તો ના લાગ્યો.
દ્રવ્યના ભંડારો એને માટે ઉથલાવ્યા,
પણ એને યોગ્ય પ્રિયતમ ના જડ્યો.
કીર્તિને દ્વારે પણ હું હતાશ થયો.

ને આખરે મને એ જડ્યો.
જેના એક અણુમાં સમસ્ત સૃષ્ટિ ને શ્રી વસી રહી હતી
એવો રસિક વર મેં જોયો.
અત્યાર સુધી મેં મારા મનને કુંવારું રાખ્યું હતું;
હવે મેં એને લાયક વર જોયો.
*
તું ઉષાનાં આહલાદક અજવાળાં જેવાં વસ્ત્રો પહેરી લે
કે તારો પ્રિયતમ રાજી થાય!
તું ચાંદની રાત જેવા મનોહર શણગાર સજી લે
કે તારો પ્રિયતમ ખુશ થાય ને તારા પર વારી જાય !
વસંતના શરીર પર કેવાં સુમન શોભે છે !
તું તારાં અંગો પર એવી વસંતો ધારણ કરી લે
કે તારો પ્રિયતમ તારા પર મોહી જાય !
સરોવરના કમલની જેમ તું એના જ પ્રેમમાં ડૂબી જા,
બીજું બધું જ ભૂલી જા !
હે મારા મોહીત મન !
તું એને દ્વારે એવી રીતે જા કે એ તને ભેટે,  ભેટે,
ને પછી તું છુટું જ ના થા !

- શ્રી યોગેશ્વરજી