તીખાંમાં તીખાં તપ કરીને થાક્યો,
તો પણ તારી સાધનાનો સુખાંત ના આવ્યો,
તેનું કારણ ?
હિમગિરિની નાની સરખી ગંગાના તીરપ્રાંતની ગુફામાં
વરસો સુધી બંદી બન્યો,
ને પ્રાણનો નિરોધ કરીને સમાધિમાં સ્થિર રહ્યો,
તો પણ તારી શાંતિનો છેડો ના આવ્યો,
તેનું કારણ ?
સંતોના સમાજમાં શામેલ થયો
ને તીર્થે તીર્થે ફરી વળ્યો,
તો પણ તારા કલ્યાણનો કલરવ ના સંભળાયો,
તેનું કારણ ?
માળાના મણકા ફેરવીને થાકયો
ને મંત્ર ને સ્તુતિના ઉચ્ચાર કરીને પણ કંટાળ્યો,
તો પણ મુક્તિનો મહાકિનારો ના લાધ્યો,
તેનું કારણ ?
જેની ચરણરજમાં
સંસારનાં સમસ્ત તીર્થો તથા શાસ્ત્રો વાસ કરે છે,
ને જેની દૈવી દૃષ્ટિમાત્રથી જ મુક્તિ મળે છે,
તે ગુરુના ગુરુ -
સદગુરુના શ્રીચરણોમાં તેં સર્વસમર્પણ નથી કર્યું,
તે જ તેનું કારણ છે.
- શ્રી યોગેશ્વરજી

