ચંદ્રમાથી પણ વધારે ચારુ નેહથી નીતરતાં એનાં નયન હતાં
ને ગૌરવની ગોરસી જેવું તેનું મુખ.
સૃષ્ટિ સારી શ્યામ સરોવર સમી દેખાતી હતી.
તેમાં સ્મિત કરતી તે સુંદર સુવાસિત કમલિની હતી
ભાવ ને ભક્તિ, સુંદરતા ને શુચિતા,
ગંગા-જમનાની ધારા જેમ, એનાં ગંગોત્રી-જમનોત્રી જેવાં અંગોમાંથી ઝરતી.
મહીમંડળના મહાકવિની કવિતા
યૌવનરૂપ ધારણ કરીને પોતાના સર્વોત્તમ સ્વરૂપમાં સાકાર થઈ હોય
એમ એ રસાળ ને અવનવી હતી.
ચરણને ચૂમનારો તેનો કેશરાશિ,
મંદમંદ મીઠું સ્મિત કરનારા એના અધરોષ્ઠ.....
સુંદર ને શુભ્રવસ્ત્રના
તે સાચે જ સૃષ્ટિની શોભા હતી.
ત્યાં માલતીમંડપમાં તે બેઠી હતી.
પુષ્પોએ તેને સારુ શય્યા કરી હતી
ને વાયુદેવતાએ વહેવાનું શરૂ કરી પંખાની ગરજ સારી હતી.
એ જ સમયે - સૂર્યોદયના પ્રથમ સોનેરી સમયે -
મારી ને એની આંખ મળી ગઈ,
ને કોણ જાણે કેમ, પણ એની આંખ અનુરાગથી ઊભરાઈ ને આલોકિત થઈ ઊઠી.
એમાં જાણે પ્રશ્નાવલિ હતી :
'માનવ-માનવનો પ્રેમ, માનવ ને પ્રકૃતિનો પ્રેમ, માનવ ને પરમેશ્વરનો પ્રેમ,
સર્વે પ્રકારના પ્રેમની પ્રતિમા ને માતા હું બેઠી છું.
બોલ, તું મારું પાણિગ્રહણ કરશે ?
મને તારા હૃદયમાં સ્થાન આપશે ?'
'પણ મારા નાનકડા હૃદયમાં તમારે શું કામ.........?'
'એ તારે નથી જોવાનું.
તું જ આ સંસારમાં મારે માટે લાયક છે.
તારા હૃદયમાં મૂર્તિમંત થવાથી જ મારું પુણ્યકાર્ય પૂરું થશે.
બોલ, તું તૈયાર છે ?'
મારા હોઠ પર સ્મિતની રસરેખા ફરી વળી.
ખરેખર, એનું સૌન્દર્ય અનુપમ હતું,
ને એથી પણ અનુપમ, અનેરી ને રસવંતી હતી એની વાણી.
તો પણ મેં પૂછી જોયું: 'મને શું મળશે ?'
'શાંતિ, આનંદ ને અતુલ દર્દ.' એણે ઉત્તર આપ્યો,
'તે દર્દ જ તને મારા મુક્તિના મંગલમય મંદિરમાં લઈ આવશે
ને તારે હાથે અનેકાનેક અવનવીન કાર્યો કરાવશે.'
'વારુ દેવી ! હું તમને મારા હૃદયમાં ધારણ કરીશ.
છંદોમાં તમારા મહાન મહિમાનાં ગુણગાન કરીશ.
કાવ્યની કદી ના કરમાનારી મધુમય માળામાં
આજના આપણા મહામિલનની યાદ તાજી રાખીશ.'
એક સંતોષનું સ્મિત કરતી એ મહાદેવી ઊઠી ને અંતરીક્ષમાં ચાલી ગઈ.
છેલ્લે છેલ્લે બોલતી ગઈ :
‘તમે'ની વ્યાવહારિક સંકુચિતતામાં મને ગૂંગળાવ નહિ,
'તું'ની વહાલભરી વર્ષાથી હું તાજી થઈશ.
તારે માટે હું જીવનમાં આમ અનેક વાર પ્રકટ થઈશ.’
- શ્રી યોગેશ્વરજી

