મારી સાધનાસરિતા કષ્ટના કારમા માર્ગમાંથી વહી નથી.
તે તો હંમેશાં સરળતા ને સુખશાંતિથી ભરેલા જીવનપથ પર ધપ્યે રહી છે.
મારી સાધનાસરિતા કારમા માર્ગમાંથી વહી નથી.
નિયમોની દુર્ભેધ્ય દીવાલમાં
કે સંયમના કઠોર તટપ્રદેશમાં
તેણે પોતાની સ્વતંત્રતા ગુમાવી નથી.
રમતિયાળ શિશુની જેમ તેણે સસ્મિત કેલિ કરી છે
ને ઈચ્છાનુસાર વહી છે.
મારી સાધનાસરિતા સદા સ્વતંત્ર રહી છે.
પ્રેમ ને સુંદરતાને તેણે લાત મારી નથી,
તેમજ તારા વાસ્તવિક વિશ્વરૂપ પ્રત્યે અશ્રદ્ધા પણ નથી કરી.
હા, તે એક વનબાળા જ રહી છે;
શકુંતલા સમી શરૂઆતમાં તપોવાસિની જ થઈ છે;
પરંતુ તેના પ્રત્યેક પાસામાંથી પૃથ્વીની પરમશ્રી,
ચંદ્રમાંથી ટપકતી ચાંદનીની જેમ, ટપકી રહી છે.
એનાં અંગાંગમાં માલતી ને ચમેલી તથા ચંપાની સુવાસ ભરી છે;
ને એના અંતરમાં સમસ્ત પ્રેમ,
સારીયે કરુણા ને પરમ પવિત્રતાની ત્રિવેણી મળી છે.
- શ્રી યોગેશ્વરજી

