રૂપનો વિચાર કરીને હું તારા તરફ આકર્ષાયો નથી;
કેમ કે રૂપ એ મારી દૃષ્ટિમાં કોઈ ખાસ વસ્તુ નથી.
રૂપનો વિચાર કરીને હું તારી પ્રત્યે આકર્ષાયો નથી.
વૈભવ કે ગુણના પ્રભાવથી પણ
તારી સાથે પ્રેમ કરવા પ્રેરિત થયો નથી;
કેમ કે એની કિંમત પણ મારી દૃષ્ટિએ એટલી ઊંચી નથી;
વૈભવ કે ગુણને લીધે પણ મેં તારી સાથે પ્રેમ કર્યો નથી.
સૌન્દર્ય ને લાવણ્ય કે શીલથી પણ જે વધારે સુશોભિત છે
ને જેના વિના જીવનનો કોઈ અર્થ નથી
તે પ્રેમને માટે જ મેં તારી સાથે પ્રેમ કર્યો છે.
ને તેથી જ
હે પ્રેમના સાગર !
હે પ્રત્યક્ષ પ્રેમ !
મારી અનુરાગથી અંજાયેલી આંખને
તારા ચરણોમાં ખાલી કરી શકું
ને હૃદયમાં તારો રસ ભરી શકું,
એ મારી આશા છે.
આપણા પ્રેમનું મૂળ પ્રેમ છે
ને સૌન્દર્ય કે શ્રી નથી.
ને જ્યાં પ્રેમ છે ત્યાં એ બંને ને બીજું બધુંયે છે.
- શ્રી યોગેશ્વરજી

