આ પરિવર્તનશીલ સંસારમાં બધું જ બદલાય છે.
જે ભ્રમર આજ લગી ચમેલી ને ગુલાબનાં પુષ્પો પર રાસ રમતા,
તે તેવા જ પ્રેમથી કદંબના પુષ્પો પર ચાલ્યા જાય છે.
ચંદ્રકળાના કિરણમાત્રથી જે સાગર
ક્ષણવારમાં પોતાને ભૂલી જઈને ઊછળવા માંડતો,
તે આ સરિતાને એટલા જ પ્રેમથી આલિંગન આપતાં અચકાતો નથી;
ને તેમ કરતાં બધી જ વેદના વીસરી જાય છે.
તું પણ અત્યાર સુધી તારા પ્રેમનું પાત્ર મને બનાવીને
હવે તારી પ્રસન્નતા માટે બીજા પાત્રની શોધમાં છે !
પણ મને એનો અફસોસ નથી, શોક નથી,
કે ન તો તારી સામે મારી કોઈ ફરિયાદ છે;
કેમ કે મને એવો કયો અધિકાર છે,
જેના આધાર પર હું એમ ઈચ્છું કે તું હંમેશા મારી સાથે જ પ્રેમ કરે.....
ને તારા પ્રેમનું પાત્ર મને જ બનાવે ?
હા, હું મારું કામ જરૂર કરીશ,
ને એ એક સારસ પક્ષીના જેવું છે,
જે જીવનમાં ને જીવનની પછી પણ પ્રેમમય જ રહે છે,
જેને અંતર અપાય છે તેને જ વફાદાર રહે છે;
ને એ કર્તવ્યના આનંદની આગળ, તારા પરિવર્તનની વાત સાચી હોય
તો પણ મને તેનો શોક નથી.
અહા, પ્રેમથી પાવન થયેલા મંત્રો જેવા મંગલ એ શબ્દો સાંભળતાવેંત
એની આંખમાં આંસુ આવી ગયાં
ને એણે કહેવા માંડયું : 'શું હું તને ભૂલી જઈશ ?
જે મારું જીવન, હૃદય સર્વ કાંઈ, શું તેને છોડી હું બીજાને પ્રેમ કરીશ ?
મારા પ્રેમ, હું જો કે પ્રેમનો સાગર છું;
પણ તેના કુદરતી નિયમને ઉલ્લંઘવા સમર્થ છું ?
તું ના ભૂલીશ કે જે સાગર ચંદ્રકળાને જોઈને ઊછળે છે,
એનામાં એ આનંદ નથી, જે સરિતાના આલિંગનમાં છે.
ને ગુલાબના ભ્રમરને પણ એ રસ નથી જે કદંબના ભ્રમરને છે.
- શ્રી યોગેશ્વરજી

