બંસીધરની બંસીના મહાસૂરની સાથે
મારા પ્રાણનો સંવાદ સધાયો છે
ને તેનું સંગીત આપોઆપ વિરામ પામ્યું છે :
આ જ મારા મૌનનું રહસ્ય છે.
સર્જનના કે સ્રષ્ટાના કમળ પર બેઠેલો મારો પ્રાણભમરો
તેના રસને ચૂસતાં પોતાને ને બીજાને ભૂલી ગયો છે :
આ જ મારી નિશ્ચલ ને શાંત સ્થિતિનું રહસ્ય છે.
જગતના વિરાટ રસસાગરમાં મારો પ્રાણ
બરફના ટુકડા જેવો તરે છે;
ઘડીમાં સ્થિર થાય છે :
આ જ મારી આત્મતૃપ્ત અવસ્થાનું રહસ્ય છે.
તું કદાચ મારા મુખ પરના આનંદ
ને તેની દિવ્યતાને જોઈને વિચારમાં પડીશ.
પણ તને ખબર નથી, હે પ્રિય સાધુ,
કે આ અમૃતરસનું પાન કાંઈ જીભ કાપીને તાળવે લગાડવાથી નથી મળ્યું.
પ્રિયતમના પ્રેમપ્યાલાને અહર્નિશ અધરે લગાડીને
તેનું આકંઠે પાન કરાયું છે :
આ જ મારી આનંદમય સ્થિતિનું રહસ્ય છે.
- શ્રી યોગેશ્વરજી

