પ્રવાહોના પ્રવાહો ને સરિતાઓ
પોતાના હૃદયધન જેવા જલને લઈને એના અંતરમાં સમાય છે,
પરંતુ સાગર પોતાની મર્યાદાનો ત્યાગ કરતો નથી;
એવી પરમ મર્યાદા ને શાન્તિ તું ક્યારે પ્રાપ્ત કરીશ ?
પવનરહિત સ્થાનમાં જેમ દીપક ડોલતો નથી,
ને જેમ સર્વે અંગોને સંકેલી બેઠેલો કાચબો અનેક આઘાતોથી પણ ચળતો નથી;
એવી પરમ નિશ્ચલતા ને નિઃસંગતા તું ક્યારે પ્રાપ્ત કરીશ ?
સર્જનનાં સર્જન ખીલે છે ને કાળના મુખમાં મળી જાય છે.
અનેક કુસુમકોમળ બાળકો ને યુવાનો,
જડ ને ચેતનની રચનાઓ,
પૃથ્વી પર ફાલે છે, ફૂલે છે ને કરમાય છે;
પરંતુ તે સર્વેને જોનારી આ પૃથ્વી
શાંત સમાધિ ધારણ કરતાં બેસી રહે છે,
ને આકાશ એ ક્ષણભંગુરતા પ્રત્યે આછું સ્મિત કરતાં હંમેશની જેમ પ્રકાશે છે;
કૃતકૃત્યતાની એવી સમાધિ તું ક્યારે ધારી શકીશ ?
અને આ ભ્રમર,
જેણે આ કમળની પાંખડીને ચૂમી લીધી છે,
તેનો ગુંજારવ શાંત થયો છે ને તેની સૂધબૂધ શમી ગઇ છે;
ને આ બાળક, જેની સર્વ વૃત્તિ ને ચંચલતા
'મા'ના મધુર પયનું પાન કરતાં વિરમી ગઈ છે;
એવી એકતા તું ક્યારે પ્રાપ્ત કરી શકીશ ?
એવી આત્મવિલીન અવસ્થામાં
હંમેશ માટે તું ક્યારે મળી રહીશ ?
- શ્રી યોગેશ્વરજી

