Swargarohan | સ્વર્ગારોહણ

Danta Road, Ambaji 385110
Gujarat INDIA
Ph: +91-96015-81921
'ઈશ્વર તારી પાસે પ્રકટ થાય,
ને તને વરદાન આપવાની કામના કરે,
તો તું શું માગે ? શું તું મુક્તિ માગે ?'
'ના ના, મુક્તિ નહિ.'
'તો શું સ્વર્ગ માગે ?'
'ના, સ્વર્ગ પણ નહિ.'
'તો શું વૈભવની ઈચ્છા પ્રદર્શિત કરે ?'
'વૈભવની ઈચ્છા પણ નહિ.'
'તો શું કાંઈ જ ના માગે ? તો તો એને ખોટું લાગે.'
'હું તો એ જ માગું કે હે નાથ,
ઋષિમુનિની જે પવિત્ર જનનીને આજ સુધી બંધનમાં બંધાયેલી ને દુઃખી રાખી છે,
તેને સ્વતંત્ર ને સુખી કરી દો !'
'ને તે જો ના કહે તો ?....'
'તો હું કહું કે મારી રહી સહી સાધના કે તપશ્ચર્યાને તેને બદલે લઈ લો.'
'ને તે છતાં તે એને અવગણે તો ?...'
'તો હું કહું કે હે નાથ, કૃપા કરીને મારી દૃષ્ટિથી દૂર હઠો !'

પિતા ને તપસ્વી પુત્રનો એ સંવાદ
શરદઋતુની એક સવારે
મેં ગંગાતટના એક આશ્રમમાં સાંભળ્યો હતો.
દેશની સ્વતંત્રતાના મોટા ભાગના સૈનિકો ત્યારે જેલમાં હતા.
પણ એ સંવાદને સાંભળ્યા પછી
દેશને સ્વતંત્ર થતાં વાર નહિ લાગે તેની મને ખાતરી થઈ,
ખરેખર, ખાતરી થઈ.

- શ્રી યોગેશ્વરજી