યોગની ગૂઢાતિગૂઢ અટપટી સાધનામાં
મેં જીવનનો સોનેરી સમય પસાર કર્યો,
ને મંત્રના આરાધનમાં સ્મશાનના સૂના પ્રદેશમાં રાત્રીઓ ટૂંકી કરી.
ધ્યાન તથા અનુષ્ઠાન કરવામાં પણ
મેં પાછું વાળીને ના જોયું,
ને તીરથના મહિમાથી મોહાઈને
મોટા ભાગના જીવનને પૃથ્વીની પ્રદક્ષિણામાં પૂરું કર્યું.
જ્ઞાનની ગંભીર ગૂંચોમાં ગોથાં ખાધાં,
ને સાગર ને સરિતામાં સ્નાન કરી કરીને
અનંત એવા આનંદના અનુભવ સારુ નિષ્ફળ પ્રયાસ કર્યો.
પરંતુ તે દિવસે સુંદરતાના સદન સરખી સુકુમારીમાં તને જોઈ
ને સ્નેહના સુધામય સ્વર સાથે તારી પૂજાનું ફૂલ બન્યો,
ત્યારે જ મારી સાધના સફળ થઈ;
ત્યારે જ મારી મહાયાત્રા પૂરી થઈ.
- શ્રી યોગેશ્વરજી

