Swargarohan | સ્વર્ગારોહણ

Danta Road, Ambaji 385110
Gujarat INDIA
Ph: +91-96015-81921
પહેલાં તો મને લાગતું હતું કે
તારું શુષ્ક હૃદય કોઈના પર પ્રીતિ નહીં કરતું હોય;
તેના પ્રાણ થઈને વિરાજવાનું ભાગ્ય કોઈને પણ નહિ મળતું હોય.
બીજા તારાં ગીતો ગાતા
ને તને પ્રસન્ન કરવા તારી પૂજા પણ કરતા.
તે તને શણગારતા,
ને તારા કટાક્ષ માત્રને મેળવવા અનેક રૂપમાં તારી આગળ હાજર થતા.

હું તો કંગાલ હતો. પ્રેમની ભાષા મને આવડતી ન હતી,
ને પ્રેમના હાવભાવથી પણ હું તદ્દન અજાણ હતો.
પૂજા, સેવા ને શણગાર ને તો હું સમજું જ ક્યાંથી ?
કદાચ તે વખતે તેં મને હૈયે લેવા હાથ લંબાવ્યા હોત,
તો પણ હું કંપીને ઢળી જાત;
ને જો તેં મારા તરફ સ્મિત જ કર્યું હોત,
તો પણ તે મારે માટે વજ્રપાત થાત.
એવો હું તે વખતે ભયભીત હતો,
ને તારી પાસે આવવાનું અશક્ય માનતો હતો.

પણ કોણ જાણે કેમ, તે વખતે તારી સાથે મારી અચાનક ભેટ થઈ ગઈ,
ને આપણી આંખ પરસ્પર એક થઈ.
તે દિવસથી હું હૃદયવિહોણો બની ગયો;
તારી પૂજાનો મહાપ્રસાદ થઈ રહ્યો.

ને પછી જ જ્યારે આપણી મુલાકાત વારંવાર થઈ
ને મારા પ્રેમને પીતાં પીતાં તું ધરાવા જ ના માંડ્યો,
ત્યારે જ હું સમજી શક્યો : તું  કુસુમથી પણ કોમળ  હતો;
સૌ કોઈ ને તારો પ્રાણ કરવા તલસતો હતો.

તારું પ્રેમપાત્ર થવા કોઈ આવતું નહિ, માટે જ તું શુષ્ક હતો :
જે તારા તરફ મીટ પણ માંડતું, તેને માટે તો તું ફિદા ફિદા હતો.

- શ્રી યોગેશ્વરજી