Swargarohan | સ્વર્ગારોહણ

Danta Road, Ambaji 385110
Gujarat INDIA
Ph: +91-96015-81921
મને એ જ આશ્ચર્ય થાય છે
કે મારા જેવાના કંઠમાં તેં શું જોઈને તારી વરમાળ આરોપી.

મારા જેવા નગ્ન ને ચીંથરેહાલને
તેં તારો પ્રેમપ્યાલો કેમ પાયો -
મને એ જ આશ્ચર્ય થાય છે.

મારામાં રૂપ નહોતું, ને ખરે જ,
હું કુરૂપ હતો.
મારામાં જ્ઞાન પણ નહોતું, ને ખરે જ,
હું અજ્ઞાન હતો.
ધન પણ મારી પાસે ન હતું,
ને હું નિર્ધન હતો.
છતાં પણ તેં મને તારો પ્યારો કેવી રીતે કરી દીધો -
એ જ મને આશ્ચર્ય થાય છે.

આ બધું હું પૂછતો હતો;
પણ હવે સમજાયું છે કે
હું હૃદય આપવા તૈયાર હતો,
ને તેથી જ તારો થયો હતો.
હું તારા ચરણમાં સર્વસ્વ ધરી રહ્યો હતો,
ને તેથી જ તારું પ્રેમપાત્ર બન્યો હતો.

તને હૃદય આપે છે તેને તું હૃદય આપે છે,
એ વાતમાં જરા પણ શંકા ક્યાં છે ?

- શ્રી યોગેશ્વરજી