Swargarohan | સ્વર્ગારોહણ

Danta Road, Ambaji 385110
Gujarat INDIA
Ph: +91-96015-81921
વીતી ગયું છે તેનો મને શોક નથી,
તેની ચિન્તા પણ નથી, મોહ પણ નથી.  
એક માતા પોતાના બાળકની ફિકર રાખે છે,
તેવી જ ફિકરથી તેં મારે માટે જીવનને રાખ્યું હતું.
તે તેં સંકેલી લીધું છે તેનો મને શોક નથી.
વીતી ગયું છે તેનો મને મોહ નથી.

જીવનની પ્રત્યેક પળે
મારી સાથે એક થવાના
એક પ્રેમીના જેવા જ તારા પ્રયત્ન હતા,
એટલે મને સંતોષ છે.
જે વીત્યું છે તેનો મને સંતોષ છે.

જે વીતે છે તેનો મને શોક નથી;
તેનો મોહ પણ નથી; તેની ચિન્તા નથી.
એક માતા પોતાના બાળકની ફિકર રાખે છે,
તેવી જ ફિકરથી તું મારે માટે જીવન તૈયાર કરે છે.
એક પ્રિયા જેમ પતિ પ્રત્યે પ્રકટ કરે છે,
પ્રત્યેક પળે તેમ મારી પ્રત્યે પ્રેમ પ્રકટ કરવાનો જ તારો પ્રયત્ન છે.
એટલે મને સંતોષ છે.
જે વીતે છે તેનો મને સંતોષ છે.

જે વીતશે તેનો મને શોક નથી, મોહ પણ નથી.
એક માતા પોતાના બાળકની સંભાળ રાખે છે,
તેવી જ રીતે તું મારી સંભાળ રાખે છે.
તારા પ્રેમમાં મસ્ત કરવાનો જ તારો પ્રયત્ન છે,
ને પ્રત્યેક પળ પેલા તારી સાથેના મહામિલનના બાહ્ય ઉત્સવની જ નિશાની છે.
એટલે મને સંતોષ છે.
જે વીતશે તેનો પણ સંતોષ છે.

- શ્રી યોગેશ્વરજી