દુઃખ ને દર્દ જ્યારે જીવનમાં વરસાદની ધારાની જેમ અવિરત વરસ્યા કરે,
સંભવ છે કે હૈયું હારી જાય ને મન નિરાશ થાય.
એવે વખતે પણ જીવનની શ્રદ્ધા ખોઈ ને હું જંગલમાં ના જઉં.
હે મારા પ્રેમમય,
વૈરાગી બનીને જંગલમાં ના જઉં !
નિંદા ને અપમાન જ્યારે માઝા મૂકે,
ચારેકોર આપત્તિનો અગ્નિ સળગે
ને વહાલા પણ વિરોધ કરે,
ત્યારે પણ જીવન પ્રત્યે અવિશ્વાસ જગાવી
ને બેચેન બનીને હું જંગલમાં ના જઉં
ને નીરસતાનાં કઠોર ગીત ના ગાઉં !
શ્રદ્ધા, આશા ને હિંમત સદાયે એવી જ અચળ રહે
ને દીપકની જ્યોતિની જેમ પ્રાણ
તારી કરુણાના મંગલ મંદિરમાં જાગી રહે.
સર્વ કાળે ને સર્વે સ્થળે તું મારા પર
તારા અનુરાગનું અમૃત વરસાવ્યા કરે;
હે મારા અમૃતમય,
હું તને કોઈયે કારણે તરછોડી ના દઉં;
બધે તારું દૈવી દર્શન કરીને કૃતાર્થ થઉં !
- શ્રી યોગેશ્વરજી

