એના ચરણ કુસુમ કે કમળ કરતાંયે કરોડોગણા કોમળ છે.
તારા કાળજાને કોમળમાં કોમળ ને નિર્મળ કરી દેજે.
રખેને એમાં રહી ગયેલા રજકણથી એને આઘાત થાય.
એના નયન નેહથી નીતરતાં તેમજ મૃદુથી પણ મૃદુ છે.
તારા નયનને સ્ફટિક સરખાં સાફ ને માખણથી મૃદુ તથા મધુમય કરી દેજે.
રખેને એમાં રહેલી વિકૃતિથી વિકૃત થાય
ને અંતરના અશ્રુપ્રવાહમાં વહી જાય.
એના પ્રાણનું સંગીત સુંદર, શાંત ને સંવાદી છે.
તારા પ્રાણને પણ સુંદર, શાંત ને સંવાદી બનાવજે !
રખેને એના વિસંવાદથી એનો સ્વર્ગીય સંગીતસૂર છેદાઈ જાય,
એનું પ્રેમગીત ભેદાઈ જાય.
એના ચરણ કુસુમ કે કમળ કરતાંયે કરોડોગણા કોમળ છે.
તારા કાળજાને કોમળમાં કોમળ ને નિર્મળ કરી દેજે.
રખેને એમાં રહી ગયેલા રજકણથી એને આઘાત થાય.
- શ્રી યોગેશ્વરજી