Swargarohan | સ્વર્ગારોહણ

Danta Road, Ambaji 385110
Gujarat INDIA
Ph: +91-96015-81921
પ્રત્યેક પળે હવે તું મને તારા પ્રેમનો પીયુષપ્યાલો પાય છે
ને એના અલૌકિક આસ્વાદમાં એક કરી દે છે.

હું જ કોઈ પ્યાલો હોઉં તેમ
તેં મને જ તારો પ્રેમપ્યાલો બનાવી દીધો છે,
ને તેને પીતાંપીતાં તું પરમ તૃપ્તિ ને મસ્તીનો અનુભવ કરે છે.
પ્રત્યેક પળે તું તેને ખાલી કરે છે ને ભરે છે.

દિવસ ને રાત, સાંજ ને સવાર, દૂર ને સમીપ,
કાળ કે સ્થળના કોઈયે પ્રકારના અંતરાય આપણી પાસે આવી શકતા નથી.
તું પીએ છે ને મને તારો જામ પાય છે.
આપણો ઉત્સવ એમ ચાલ્યા જ કરે છે.

વિસ્મયની વાત તો એ છે
કે આપણે એવાં તો એકાકાર થયાં ને પલટાઈ ગયાં છીએ
કે તું મને કે હું તને -
કોઈ કોઈને ઓળખી શકતાં નથી.

અહા, તું મારાથી છૂટવા સમર્થ નથી ને હું તારાથી.
આપણી વચ્ચે એવી અનેરી એકતા થઈ ગઈ છે !

- શ્રી યોગેશ્વરજી