Swargarohan | સ્વર્ગારોહણ

Danta Road, Ambaji 385110
Gujarat INDIA
Ph: +91-96015-81921
પ્રેમાળ પૃથ્વી પર તું પગલી મૂકે છે,
ત્યારે રજની આરપાર રહીને
હું તારી સુંવાળી પાનીને ચૂમું છું;
એની તને ખબર છે ?

અને જ્યારે પણ તું દૃષ્ટિપાત કરે છે,
ત્યારે તારી આંખના અમૃતનો આનંદ હું લૂંટું છું;
એ તું સમજે છે ?

જ્યારે તું બોલવા માંડે છે,
ત્યારે તારી વાણીની અંદર માધુર્ય બનીને
હું વહી રહું છું;
ને તું હસે છે, ધન્ય બને છે,
ત્યારે તૃપ્તિના પુણ્યમય તીર્થ પર
આપણા બંનેના સંગમનો રસ ચાખું છું.

અને જ્યારે તું સૂઈ જાય છે,
ત્યારે તારા શીશને મારા સ્નેહાળ ખોળામાં લઈને
હું આપણા પરમ પ્રેમનું સંગીત ગાઉં છું;
એની તને ખબર છે ?

એમ તારી ને મારી પ્રેમલીલાનો સહજ ધ્વનિ,
એને જ તું જીવન કહે છે;
એની તને જાણ છે ?

- શ્રી યોગેશ્વરજી