પ્રિયજનના પ્રભાત સમયના
પૂર્વ-આકાશ જેવા મુખમંડલ પર
ઉષાની જેમ સ્મિત થઈને હું પ્રકટું છું.
તું તેને નિષ્ઠુરતાથી અવગણીશ નહિ;
એવી વાતથી હું કંપુ છું.
સ્નેહી જનોના સ્નેહછલેલા શબ્દોમાં
અમૃત બનીને હું પ્રવાહ જેમ વહ્યા કરું છું.
તું તેમાં કટુતાનું વિષ ભરીશ નહિ;
હું બહુ મંજુલ છું.
પ્રેમીના હૃદયકમલમાંથી પરિમલની જેમ
હું તારા પ્રત્યે આપણો પરિચય આપતાં પ્રસરું છું.
તું તેને ઝેરી નયનથી નિહાળીને મલિન કરીશ નહિ;
એવા વિચારથી પણ હું થથરું છું.
- શ્રી યોગેશ્વરજી

