ઓ મારી પ્રેમમૂર્તિ પ્રિયા !
તારા અધર પાસે મારા હોઠ લાવું છું ને જરીક નમું છું,
ત્યાં જ સમાધિ થઈ જાય છે;
ને તને ધારીધારીને જોઉં છું ત્યાં જ ભાન ભૂલી જવાય છે !
ચંદ્રમાના શીતળ પ્રકાશથી ભરેલા તારા શરીરને
સ્પર્શ કરવા મારો હાથ લંબાય છે.
પણ અધવચ્ચે જ અટકી જાય છે.
તારા રૂપની રસસમાધિ એવી અજબ છે.
આંખ તારી આંખનું પીયૂષ પીતી પીતી
પલકારા કરવાનું ભૂલી જાય છે
એમાંથી આનંદની ધારા ટપકી પડે છે.
તારા સૌન્દર્યની મસ્તી એવી અનુપમ ને અનેરી છે.
તારો પ્રેમ જ એવો છે.
તું જ સાચું સૌન્દર્ય છે, ને બીજાં તો તારાં રૂપમાત્ર છે;
કેમ કે બીજી સુંદરીઓ તો સહવાસમાં રહેવાથી જ સુખ આપી શકે છે,
જ્યારે તું તો જેમ દૂર જાય તેમ વધારે પ્રેમ પ્રકટાવે છે.
ધન્ય છે એમને, જે તારું સ્મરણ કરીને એક ક્ષણ ભાન ભૂલી ગયા છે !
તને મેળવવાની મહેનત કરનાર ઈન્દ્રિયોથી પર થઈ જાય છે,
ને બધે જ તારી મનહર મૂર્તિનું દર્શન કરે છે.
- શ્રી યોગેશ્વરજી

