ઓ મારા પ્રાણ,
તમે ચાલો, ચાલો !
ઓ મારા જીવનાધાર, તમે ચાલો !
જીવન ચાલે છે ને બધુંય ચાલે છે;
દિવસ ને રાત, ઉષા ને સંધ્યા, બાલ્યાવસ્થા ને યૌવન;
શરદ, વસંત, પાનખર ને વર્ષા, બધુંય ચાલે છે.
એ બધી વણઝારમાં વીણા વગાડતા ને સૂર પુરાવતા તમે ચાલો !
ઓ મારા જીવનાધાર, તમે ચાલો !
નિર્ઝર ને નાળાં, સરિતા ને સાગર,
ફૂલની ફોરમને ફેલાવનારી આ પવનની લલિત લહરી
ને આ તારામંડળ, બધુંયે ચાલે છે, તેમ તમે પણ ચાલો !
ઓ મારા જીવનાધાર, તમે ચાલો !
અસતમાંથી સતમાં ને વેરમાંથી પ્રેમમાં,
અજ્ઞાનમાંથી જ્ઞાનમાં ને તમિસ્ત્રમાંથી તેજમાં,
ભયમાંથી અભયમાં ને મૃત્યુમાંથી અમૃતમાં,
બંધનમાંથી મુક્તિમાં તમે ચાલો !
ઓ મારા પ્રાણ, જડતાને જલાવી દઈને તમે ચાલો !
- શ્રી યોગેશ્વરજી

