દેવતાઓ જે રૂપમાં આપણી પાસે આવે છે, તે રૂપમાં આપણે તેમને નથી પૂજતા;
પરંતુ તેમની પથ્થરની પ્રતિમાઓને પૂજીએ છીએ :
એવી પાંગળી આપણી પૂજા છે !
ઉત્તમોત્તમ ને ફોરમવંતાં ફૂલોથી આપણે તેમને શણગારીએ છીએ
ને તેમના શરીરે સુગંધિત પદાર્થો ને અત્તર લગાડીએ છીએ.
પરંતુ આપણા પથપ્રદર્શક થઈને જે આપણા માર્ગને સાફ કરવા આવે છે,
એમનું અપમાન કરીએ છીએ ને કેટલીક વાર એમને અપશબ્દો પણ કહીએ છીએ :
એવી પાંગળી આપણી પૂજા છે !
વરસોની ઉપાસનાને અંતે પણ તે હાલતા નથી, ને એક અક્ષરે બોલતા નથી;
છતાં પણ અચળ શ્રદ્ધાને ધારણ કરીને આપણે તેમની પૂજા કરીએ છીએ;
પરંતુ અમૃતનો વરસાદ વરસાવીને, વહાલથી ભરેલાં વચને
આપણી અશુદ્ધિનો અંત આણવા જે તન તોડીને મહેનત કરે છે,
એમની આપણે અવગણના કરીએ છીએ, ને એમનો સત્કાર પણ કરતા નથી :
એવી પાંગળી આપણી પૂજા છે !
જે આપણી સામે, સાથે ને આજુબાજુ જ રહે છે, એમની તરફ આપણે જોતા પણ નથી;
જે આપણે માટે આંસુ સારે છે, મહેનત કરે છે ને બલિદાન બને છે,
એમને આપણે ઓળખતા પણ નથી;
ને દૂરના દેવને પૂજીએ છીએ :
આવી આંધળી આપણી આરાધના છે!
દેવતા એટલે સત્ય, પ્રેમ ને પવિત્રતા;
તેનું દર્શન થાય ત્યાં આપણે આપણી અંજલિ નથી ધરતા;
ને પેલા દેવતાને માટે રડીએ છીએ, સંકટને સહન કરીએ છીએ
ને જીવનનો ત્યાગ પણ કરી દઈએ છીએ :
એવી પાંગળી આપણી પૂજા છે !
- શ્રી યોગેશ્વરજી

