માનવતાનું મોત કરનારી જે શક્તિ મળે છે, તે મને પસંદ નથી;
હે મારા પ્રભુ, તે મને પસંદ નથી.
દુઃખીનાં દુઃખને જોઈને જે દ્રવે નહિ,
પીડાતાના પરિતાપથી પીગળે નહિ,
રોતાનાં આંસુથી પલળે નહિ,
ને અનાથનાં આક્રંદ જેને અડે નહિ,
તે શક્તિ મને પસંદ નથી;
હે મારા પ્રભુ, તે શક્તિ મને પસંદ નથી.
જીવનને જડ કરવાથી જે શક્તિ મળે છે,
તે મને પસંદ નથી;
હે મારા પ્રભુ, તે મને પસંદ નથી.
તેવી શક્તિ લઈને હું શું કરીશ?
જે એક મારી જ શોભા બનશે, ને બીજાં કોઈનેય કામ નહિ લાગે,
એવી સિદ્ધિ લઈને હું શું કરીશ ?
જ્યાં દુઃખ ને દીનતા છે, વિપત્તિ ને વિષાદ છે,
ત્યાં તેમને ટાળવાની તાકાત હોવા છતાં
મૂક બનીને બેસી રહીને હું શું કરીશ ?
હે મારા પ્રભુ, છતી આંખે અંધ બનીને હું શું કરીશ ?
નહિ;
હું તો તમારા સંસારને વધારે ને વધારે સ્વર્ગીય કરવાનો પ્રયાસ કરીશ,
ને તમારા બાગનો માળી બનીને બધે હરિયાળી ભરીશ !
માનવતાની માવજત કરીને જે જીવન માગશે તેને જીવન દઈશ !
ને જડતામાં જીવનારનો શ્વાસોશ્વાસ થઈશ.
એ મંજૂર હોય તો જ મને શક્તિ આપો;
બાકી તો હું અશક્ત જ રહીશ;
કેમ કે માનવતાનું મોત કરનારી જે શક્તિ મળે છે, તે મને પસંદ નથી;
હે મારા પ્રભુ, તે મને પસંદ નથી.
- શ્રી યોગેશ્વરજી

