કામના ફણગાને હૃદયમાંથી નાબૂદ કરવો જોઈએ;
ઓ વૈરાગી, એ વિના કામ ના જ બને.
વાસનાના અંકુરને અંતરમાંથી નાબૂદ કરવો જોઈએ;
ઓ વૈરાગી, એ વિના સાધના ના જ બને.
કાળજાને કોમળ થવા દે,
કુસુમ કરતાં પણ વધારે કોમળ થવા દે,
ને વિપત્તિના વરસાદ તે પર વરસવા દે.
પ્રત્યેક પોચા પરમાણુના સ્પર્શથી પણ નમ્ર રહે એવું તેને પ્રેમાળ થવા દે.
તારી રગેરગમાંથી પ્રેમ ને સૌન્દર્ય વહેવા દે !
વાણીને પતિતપાવની ને અમૃતમયી ગંગા થઈને પ્રકટવા દે !
તથા તારી આંખમાંથી વહેતો પ્રેમ અહીંતહીં અંજાવા દે !
મનના મંગલમંદિરમાં દેવતાનો અભિષેક થવા દે,
ને પ્રાણના આસન પર એના વિના કોઈને પણ આસીન ના થવા દે !
આ સાધનાનો આરંભ કરી દે !
ઓ વહાલા વૈરાગી,
તું શાશ્વત શાન્તિ બની જશે,
કલ્યાણની કેડી થઈ જશે,
ને જે જે ચાહે છે તે બધું જ તને મળી જશે !
- શ્રી યોગેશ્વરજી

