મારી આ અપાર અંતરવ્યથાને એમ ને એમ રહેવા દે,
ને આ તારા વિશ્વરૂપનું દર્શન કરતી દૃષ્ટિને પણ
એવી જ મસ્તીથી મઢેલી રહેવા દે !
અંતરમાં ઉગાડેલા પ્રેમના પુષ્પને
ભલે હવે તું જ સંભાળ વિનાનું છોડી દે;
ને ભલે જીવનના કોમળ ને કમનીય કમલ પર
આકરો આઘાત પણ કરી લે !
હું તો ઈચ્છું છું કે તું સુખી રહે -
મારા સુખ માટે તને લવલેશ દુઃખ થાય,
તારે મહેનત કરવી પડે એ હું ઈચ્છતો નથી.
ચાંદનીથી પણ શીતળ ને અમૃતભરી આંખો વડે જે દૃષ્ટિ ઢાળી છે,
ને કમળ કરતાં પણ કોમળ અંગુલી વડે અંતરની સૂતેલી સિતારી જગાડી છે,
એ જ મારી મહાન ને મોંઘી યાદ છે.
તારી આપેલી પ્રેમધારા
ને આ દિનરાતની મૂક વેદનાનું તારું દાન,
આ કાયમનું જાગરણ
ને ડગલે ને પગલે પ્રાણમાં પ્રવેશ કરતી તારી રૂપછાંય,
એ તારો અમોલ ઉપહાર છે.
એને પણ ભૂલવા કદાચ પ્રયાસ કરીશ;
પરંતુ તું તો ભલે શાંતિ જ ભોગવજે, સુખી જ રહેજે !
- શ્રી યોગેશ્વરજી

