તેં આ હૃદયને પહેલેથી જ મંત્રમુગ્ધ કર્યું છે
ને હવે તને તેના તરફ જોવાનો પણ વખત નથી ?
તેં આ હૃદયને પહેલેથી જ તારું કર્યું છે.
જિંદગીના બાલ્યકાળમાંથી જ
તેં ઉષાના રમણીય રંગોમાં રહીને એને જીતી લીધું છે,
ને પંખીની મધુરી સૂરાવલિમાં
તારા જૂનાજૂના સંદેશ દઈને તેનું હરણ કર્યું છે.
સાગરના ઉત્તુંગ તોફાની તરંગોનું રૂપ લઈને
તેં જ મારા ચરણોની આસપાસ ફરી વળી હૃદયમાં મંથન ઊભું કર્યું છે,
ને સૂતી વખતે ઉશીકા પર મુકાતા મસ્તકને
તારા ખોળામાં લઈને તેં જ તારું ગીત ગાયા કર્યું છે.
હવે તે તારા દૈવી સ્વરૂપને સમજી ગયું છે;
જગતના સ્થૂલ રૂપને તે શું કરે ?
- શ્રી યોગેશ્વરજી

