ગુરુકૃપાની વરસી રે વાદળી,
સ્નાન કરીને ધન્ય બની.
અણધારી ઓચિંતી જીવનમાં આવી,
સૂના જીવનને સજાવી રહી...ગુરુ...
તપ્ત જીવનને શીતળતા દીધી,
જિન્દગી જેણે ઉગારી લીધી...ગુરુ...
વિરોધ કેરા વંટોળ માંહી,
બુઝાતા દીપમાં જ્યોતિ ધરી...ગુરુ...
નિરાશ જીવનમાં આશા ધરીને,
નિશ્ચિંતતાથી જિન્દગી ભરી...ગુરુ...
MP3 Audio
રચના સમયના મનોભાવો
સંસારના ત્રિતાપથી ત્રાસી ઊઠેલા સાધકના જીવનમાં અચાનક સાચા સદગુરુનો પ્રવેશ થાય તો એ પ્રવેશની સાથે સાથે કૃપાની પવિત્ર વાદળી પણ વરસવા લાગે છે. સાધકની તપ્ત જીવનધરતી ઉપર ધીરે ધીરે શીતળ શાંતિનાં અમીછાંટણાં છંટાવા માંડે છે.
જીવનમાં ગુરુની કૃપાપ્રસાદિ મળી જાય તો સાધક સંસારની વચ્ચે પણ શાંતિથી નવા ઉત્સાહ સાથે, નવી પ્રેરણા સાથે, નવી આશા સાથે ઊભો રહીને પોતાની સાધનાને અવિરતપણે ચાલુ રાખી શકે છે.
ગુરુની કૃપા સાધકના જીવનમાં કેવી અલૌકિક સૃષ્ટિ સર્જે છે. તેનો ચિતાર આ પદમાં જોવા મળશે.
સાધક ગુરુકૃપાની વર્ષામાં સ્નાન કરીને ધન્ય બની જાય છે, નિશ્ચિંત બની જાય છે. એ હકીકતનો અનુભવ ગુરુકૃપાએ અનુભવવા મળ્યો, જે આ પદમાં વ્યક્ત થયો છે.

