Swargarohan | સ્વર્ગારોહણ

Danta Road, Ambaji 385110
Gujarat INDIA
Ph: +91-96015-81921

ગુરુ ગોપાલ પ્રભુ બંસી બજાવે;
આવ્યાં સાંભળવા નર ને નાર.

અલકાપુરીના ધીરજ બાગમાં,
અલખની ધૂન જગાવે છે આજ...ગુરુ...

પ્રાણ પ્રસન્ન બને, ચિતડું ચિંતન કરે,
મુખડું કીર્તન કરે આજે અહીં...ગુરુ...

શાંતિ સંતોષ ને પ્રેમના પુષ્પે,
ધીરજ બાગ સજે અવનવા સાજ...ગુરુ...

શ્રદ્ધાભક્તિથી ભેગાં મળે સૌ,
જીવનની ધન્યતાને પામવા કાજ...ગુરુ...

પ્રગટ પ્રભુની પ્રેમ-પ્રસાદી,
પામીને પ્રેમના સરવરમાં ન્હાય...ગુરુ...

MP3 Audio

 
રચના સમયના મનોભાવો
 
ગુરુ સાધકના જીવનમાં જ્યારે આરાધ્ય દેવ બનીને આવે છે ત્યારે તે સાધકને પોતાના ગુરુદેવમાં પ્રત્યક્ષ પ્રભુનાં જ દર્શન થાય છે.

જાણે શ્રીકૃષ્ણ પોતે ગુરુના સ્વરૂપે આવીને જ્ઞાનની બંસી વગાડીને સૌ કોઈને પ્રસન્નતા ધરે છે.

જીવનની ધન્યતા એવા સદગુરુના શ્રીચરણોમાં અનુભવવા મળે છે.

પ્રભુના પ્રગટસ્વરૂપને અને તેના જ્ઞાન તથા પ્રેમની પ્રસાદિ પામીને સૌ કોઈ પવિત્ર પરમપ્રેમના સરોવરમાં સ્નાન કરવા ભેગા થાય છે.

તેઓ સત્સંગનો આનંદ લૂટે છે, શાંતિસંતોષ પામે છે. સૌના હૈયે શ્રદ્ધાભક્તિ જોવા મળે છે. શ્રદ્ધાભક્તિથી થતો સદગુરુનો સત્સંગ જીવનને ધન્ય કરશે એવી આશા સાથે સૌ કોઈ આવી મળે છે. એવા એક સત્સંગના દ્રશ્યનું વર્ણન આ પદમાં જોવા મળશે.
 

Add comment

Submit