વનવગડા કેરી વાટમાં
વડલાની છાંયડી માંહ્ય રે...ફૂલડું ધૂળે ભર્યું...
માળી બની પ્રભુ આવશે,
એવી ફૂલડું જોતું વાટ રે...ફૂલડું ધૂળે ભર્યું...
પ્રવાસીઓ જતા આવતા,
અવગણના દિન ને રાત રે...ફૂલડું ધૂળે ભર્યું...
કંઈક વરસો પછી વિચર્યા,
યોગેશ્વર વનની વાટ રે...ફૂલડું ધૂળે ભર્યું...
દૈવી દ્રષ્ટિથી નિહાળી લીધું,
એની ઓળખી સૌરભ તમામ રે...ફૂલડું ધૂળે ભર્યું...
પાસે આવી એને ઊંચકયું,
અપનાવ્યું આદર સાથ રે...ફૂલડું ધૂળે ભર્યું...
જનમ-જનમના કૈં કાટને,
કર્યા પારસ-સ્પર્શે સાફ રે...ફૂલડું ધૂળે ભર્યું...
અર્પી નિર્મળતા ફૂલને,
પહોંચાડયું મંદિર-દ્વાર રે...ફૂલડું ધૂળે ભર્યું...
ક્યાં હતું ક્યાં ચઢી ચૂકયું !
એવી સંતકૃપા અપાર રે...ફૂલડું ધૂળે ભર્યું...
કરમાતાં પહેલાં ધન્ય બન્યાં
સર્વેશ્વરીઃ ગુરુપ્રતાપ રે...ફૂલડું ધૂળે ભર્યું...
MP3 Audio
રચના સમયના મનોભાવો
આ જીવન જન્માંતરના કાટ ખાતું, ધૂળે ભરેલું, સંસારવનમાં જીવાતું હતું. એ જીવનરૂપી ધૂળભરેલા ફૂલડાની કથા આ પદમાં છે.
એ જીવનફૂલડું કોઈક સુયોગ્ય માળીની રાહ જોતું હતું. ઘણાં પાત્રો એના જીવનમાં આવી ગયાં, પરંતુ બધાં એ ફૂલને ધૂળે ભરેલું હોવાથી, નકામું માનીને, એની અવગણના કરતાં કરતાં પસાર થઈ ગયાં.
ઘણાં વરસે પૂજ્ય શ્રી યોગેશ્વરજી એ પગદંડી ઉપરથી પસાર થયા અને એમની દિવ્યદ્રષ્ટિ ધૂળે ભરેલા ફૂલ ઉપર પડી. એ ફૂલને પાવન સ્પર્શ મળે તો સારું એવી કરુણાથી પ્રેરાઈને શ્રી યોગેશ્વરજીએ એ ફૂલને ઊંચકયું અને એને આદર સાથે અપનાવીને સ્વચ્છ બનાવીને એ ફૂલને પ્રભુના પવિત્ર દ્વારે પહોંચાડી દીધું.
ફૂલને મળેલું નવજીવન સદગુરુજીને આભારી હતું. કરમાયેલું, કચડાઈ ગયેલું જીવન પૂજ્ય શ્રી યોગેશ્વરજીના સમાગમે ખીલી ઊઠયું, ઝળકી ઊઠયું, પાવન બની ગયું, ને પ્રભુમય બનીને પ્રભુ ચરણે સ્વીકાર પામી ચૂકયું. સંતકૃપાનો આ અનુભવ આ પદમાં શબ્દસ્થ થયો છે.

