મારા જીવનના એક આધાર ઘનશ્યામ રે,
મારી રક્ષા કરો રાધેશ્યામ રે...
મનડું મારું પ્રસન્ન કરજો, હે પ્રભુ દીન દયાળ !
ક્રોધ ન થાયે, દ્વેષ ન થાયે, માંગું છું સાંજ સવાર રે,
તમે દયા તણા ભંડાર રે...મારા જીવનના...
જીવનમાં નવી આશા ભરજો, હિંમત ધરજો સાથ,
શાંતિ ધરજો, મનને મારા, સ્વસ્થ કરજો નાથ !
કરો સ્મરણ થકી ઉદ્ધાર રે...મારા જીવનના...
સુખ-દુઃખમાં સંગાથે રહેજો, સ્વજન બનીને સાચા,
શ્રદ્ધાભક્તિ-શક્તિ ભરજો, જીવન જીવવા કાજ રે,
મારી નાવડી કરજો પાર રે...મારા જીવનના...
પ્રતિકૂળતાના પવનો ચાલે, વિપત્તિના વરસાદ;
તૂટી-ફૂટી જીવન હોડી, પાર કરો, મહરાજ રે !
હવે દૂર કરો અંધાર રે...મારા જીવનના...
MP3 Audio
રચના સમયના મનોભાવો
રોજબરોજના જીવનમાં, નિત્યનિયમ જેવી પ્રાર્થના દ્વારા પ્રભુ સાથે આ રીતે વાતચીત કરી શકાય.
ઘણીવાર આપણું મન કારણ વિના પણ અપ્રસન્નતાનો અનુભવ કરે છે. વાતવાતમાં ક્રોધ કરી બેસીએ છીએ, ને વળી એકમેકનો દ્વેષ પણ કરવા માંડીએ છીએ ત્યારે એવી અપૂર્ણતામાંથી શ્રીપ્રભુ જ દયા કરીને આપણને બચાવી લે છે.
રોજબરોજ નવી નવી આશા ને હિંમત, સ્વસ્થતા ને શાંતિ પણ પ્રભુ આપે તો જીવન જીવવા જાવું લાગે. વળી પ્રભુનો સર્વાવસ્થામાં સંગાથ મળે તો જીવનનાવ સહેલાઈથી પાર ઊતરે.
રોજની પ્રતિકૂળ પરિસ્થિતિની વચ્ચે, વિપત્તિઓની વચ્ચે પણ મન સ્વચ્છ અને સ્વસ્થ રહે એવી કૃપાની યાચના આ પદમાં થઈ છે.


Comments