Swargarohan | સ્વર્ગારોહણ

Danta Road, Ambaji 385110
Gujarat INDIA
Ph: +91-96015-81921

ગુરુદેવ ! હું આપને પાય લાગું,
મને દિવ્ય દર્શન ધરો એ જ માગું (2)

તિતિક્ષા સદા શાંતિ-સંતોષ આપો,
કૃપાની સુધા રેલતા, કલેશ કાપો...ગુરુદેવ !

દુઃખોની ઝડી રોજ પડતી ભલેને (2)
તિરસ્કાર વિદ્વેષ વરસે વળી કે... ગુરુદેવ !

પરમની પ્રસાદી મળી એમ માનું (2)
સદા સાધનાપંથ સાનંદ કાપું... ગુરુદેવ !

પરમ નામની પૂર્ણ મસ્તી વધારી (2)
ધરો દિવ્યતા દિવ્યરૂપે પધારી... ગુરુદેવ !

હરી અજ્ઞતા ભક્તિ ઉરમાં જગાડો (2)
ચપલ ચિત્તને ચારુચરણે લગાડો... ગુરુદેવ !

MP3 Audio

 
રચના સમયના મનોભાવો
 
પ્રભુપંથે કઠોર કસોટીઓ પણ થતી હોય છે. એવી કસોટીની નાજુક પળોમાં પ્રાર્થના જ શાંતિ આપે છે.

પ્રતિકૂળતાને સહન કરવાની શક્તિ આપો. દુઃખોનો દાવાનળ પ્રગટે, આખી દુનિયા તિરસ્કાર વરસાવે ત્યારે પણ, પ્રભુ ! એ તારો પ્રસાદ છે એમ માનીને હસતે મુખે જીવનપંથે આગળ ને આગળ વધુ એવી જ માંગણી સાચો સાધક પ્રભુને-ગુરુને કરતો રહે છે.

પ્રતિકૂળ વાતાવરણમાં પણ પ્રભુનામમાં મારું હૈયું મસ્તી અનુભવ્યા કરે, સંસારના કોઈ આઘાત-પ્રત્યાઘાતની અસર ના થાય, અને હે પ્રભુ ! તારા જ નામમાં, તારા જ રૂપમાં મગ્ન બની જવાય, એ જ પ્રાર્થના.

જન્મજન્માંતરના મારા અજ્ઞાનને, હે પ્રભુ ! તમે દૂર કરો, ભક્તિભાવ જગાડો, ચિત્તને આપનાં શ્રીચરણોમાં લગાડો, અને અંતે યોગ્ય ભૂમિકા તૈયાર થતાં દિવ્યદર્શનની ભેટ ધરો.

રોજબરોજના જીવનમાં આવતા આઘાતો-પ્રત્યાઘાતો સામે ઝઝૂમવા પ્રભુ પાસે આ રીતે પ્રાર્થના થઈ.
 

Add comment

Submit