Swargarohan | સ્વર્ગારોહણ

Danta Road, Ambaji 385110
Gujarat INDIA
Ph: +91-96015-81921

કરો ના કેમ મને પણ પ્રેમ ?
ચાહું તમને દિલથી સાચે, ચાહો ન તમે કેમ ?

લોચન તમને જોવા ઝંખે ખૂબ જ આતુર જેમ,
સંગીતસ્વરો સુણવા ચાહે શ્રવણ તમારા તેમ ... કરો ના.

શીતલ સ્પર્શ સુવાસિત ચાહે અંગ કરો જો રે’મ,
પ્રાણ પ્રકાશ તમારો પ્રકટે આશ કરે છે એમ ... કરો ના.

રાગથકી રંગાઈ રટતાં રોમ રસિકની જેમ,
તમે તોય ના કૃતજ્ઞતાથી રટતાં મુજને કેમ? ... કરો ના.

કપટ નથી કૈં મારા પ્રેમે, નથી મલિનતા તેમ,
પવિત્ર છે ગંગાજલ જેવો, વિશુદ્ધ જાણે હેમ ... કરો ના.

ઉર ખુલ્લું છે શરદઋતુના મારું નભની જેમ,
તમારે જ માટે તે તલસે, ના જાણું કે કેમ ! ... કરો ના.

સ્થાન તમે તેમાં ના લેતાં તો પણ સાચે કેમ ?
પ્રકટો કેમ તમે ના પ્રેમે કરવા તેનું ક્ષેમ ? ... કરો ના.

કાળ કઠિન આ દૂર કરી દો, કરી દો હવે પ્રેમ;
મિલનની મધુર ઉષા ઉદિત હો, ‘પાગલ’ પ્રાર્થે એમ ... કરો ના.

- © શ્રી યોગેશ્વરજી

Add comment

Submit